
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 14 એપ્રિલ 2019, રવિવાર
કરીના કપૂર ખાન એ અભિનેત્રીઓમાંની છે, જેમણે ટચૂકડા પડદાથી અંતર જાળવી રાખ્યું છે. તેની કારકિર્દીમાં તેને નાના પડદે ઘણા શો ઓફર થયા છે. પરંતુ તેણે એ ઓફરો સ્વીકારી નહોતી અને મોટા પડદે જ કામ કરવાનો નિર્ણય લીધો. પરંતુ હવે કરીના પોતાના આ ફેંસલામાં થોડી ફેરબદલી કરે તેવી શક્યતા છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, કરીના કપૂર ખાનને નાના પડદાના એક રિયાલિટી ડાન્સ શોમાં નિર્ણાયકની ઓફર મળી છે. કરીના આ ઓફરથી આનંદવિભોર બની ગઇ છે, અને તેણે વળતર માંગવામાં કોઇ કસર છોડી નથી. કરીનાએ આ રિયાલિટી શો માટે દર એપિસોડ દીઠ અઢીથી ત્રણ કરોડ રૂપિયા માંગ્યા છે. આ શોના લગભગ ત્રણ મહિનામાં ત્રીસ એપિસોડ પ્રસારિત થવાના છે. તેથી કુલમ ળીને તે રૂપિયા ૮૦-૮૫ કરોડ જેટલી રકમ કમાઇ લેશે.
હાલ કરીના અને મેકર્સ વચ્ચે કરીનાએ કેટલા કલાકો અને ક્યારે કામ કરવું જેવા મહત્વના નિર્ણયો પર વાતચીત ચાલી રહી છે. જો બધું સમુસૂથરું પાર પડશે તો જલદી જ આ વાતની ઘોષણા કરવામાં આવશે.
કરીના આ શો માટેની ઓફરો સ્વીકારશે તો ટચૂકડા પડદે તેનું ડેબ્યુ કહેવાશે. શોના મેકર્સનું માનવું છે કે, કરીનાની લોકપ્રિયતાનો પૂરો ફાયદો શોને મળશે. તેથી તે અભિનેત્રીને મોં માંગી રકમ આપવા તૈયાર થયા છે.
હવે સમય બદલાયો છે, અને ટચૂકડો પડદો મોટો બની ગયો છે. નાના પડદે હવે ધનનો વરસાદ વરસવા લાગ્યો છે. જેટલું મહેનતાણું કલાકારોને ફિલ્મોથી નથી મળતું તેના કરતાં અનેકગણું નાના પડદે મળવા લાગ્યું છે. આ ઉપરાંત વધુ એક ફાયદો એ થયો છે કે, કામ પણ ઓછું કરવું પડે છે, તેમજ પોતાની પબ્લિસિટી પણ થાય છે. તેથી હવે બોલીવૂડના ટોચના કલાકારો નાના પડદે વળવાના ફેંસલા કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GnmNCr
via Latest Gujarati News
0 Comments