મુંબઈ, તા.૧૪
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સળંગ છ મુકાબલા ગુમાવ્યા બાદ બેંગ્લોરે આખરે પંજાબને હરાવીને પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવી દીધું છે, હવે તેઓ આવતીકાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ઉતરશે, ત્યારે તેમની નજર સીઝનમાં બીજો વિજય મેળવવા તરફ રહેશે. કેપ્ટન કોહલીની સાથે ડિ વિલિયર્સ અને સ્ટોઈનીસે ફોર્મ મેળવ્યું છે અને આ બાબત તેમની ટીમ માટે ઉત્સાહજનક રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ પણ રાજસ્થાન સામેની હાર બાદ ફરી બેઠાં થવાની કોશીશ કરશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી મુકાબલો ખેલાશે.
બેંગ્લોરની ટીમનો મદાર કેપ્ટન કોહલીની સાથે ડિ વિલિયર્સ પર વિશેષ રહેશે. ટીમની સાથે જોડાયેલા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર સ્ટોઈનીસે પણ ઉપયોગી બેટીંગ કરતાં ટીમની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો છે. પાર્થિવ પટેલે ઓપનર તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે મોઈન અલી, આકાશદીપ નાથ કે શિવમ દુબે જેવા બેટ્સમેનોએ જવાબદારી ઉઠાવવી પડશે. આ ઉપરાંત ઉમેશ, સિરાજ તેમજ સૈની જેવા બોલરોએ દેખાવ સુધારવો પડશે કારણ કે મુંબઈની પાસે રોહિત, પોલાર્ડ જેવા હાર્ડહિટર્સ છે, જેઓની સિક્સર ફટકારવાની ક્ષમતા અસાધારણ છે.
મુંબઈ ઈન્ડિયન્સને ફરી જીતની રાહ પર પાછા ફરવાની આશા છે. રોહિતે ફોર્મ બતાવ્યું છે, જે ટીમ માટે ઉત્સાહજનક છે. આ ઉપરાંત ડી કૉક, પોલાર્ડ, હાર્દિક પંડયાએ જરૃરિયાતના સમયે પ્રભાવ પાડયો છે. જોકે મુંબઈને ટોપ ઓર્ડરના બેટ્સમેન પાસેથી મોટી ઈનિંગની આશા છે. મુંબઈની બોલિંગ અસરકારક રહી છે. બુમરાહની સાથે રાહુલ ચાહર તેમજ કૃણાલ પંડયાએ પ્રભાવ પાડયો છે. અલઝારી જોસેફ તેની બોલિંગમાં વધુ સુધારા સાથે પાછો ફરવાની કોશીશ કરશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ghc3Et
via Latest Gujarati News
0 Comments