ઈંગ્લેન્ડના લુઈસે હેમિલ્ટને એફ-૧ની ઐતિહાસિક ૧૦૦૦મી રેસ જીતી

શાંઘાઈ, તા.૧૩

દુનિયાને કાર રેસિંગનું ઘેલું લગાડનારા ફોર્મ્યુલા વનના ઈતિહાસની ૧૦૦૦મી રેસ જીતવાનું ગૌરવ ઈંગ્લેન્ડના રેસર લુઈસ હેમિલ્ટને મેળવી લીધું છે. ચીનના શાંઘાઈમાં યોજાયેલી એફ-વન સીઝનની ત્રીજી રેસ ઈતિહાસની ૧૦૦૦મા માઈલસ્ટોન સમી રેસ બની રહી હતી, જેમાં મર્સિડીસ ટીમના રેસરોએ દબદબો પ્રસ્થાપિત કરતાં ટોચના બે સ્થાન કબજે કર્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે ફેરારીનો સેબાસ્ટીયન વેટ્ટલ રહ્યો હતો.

શાંઘાઈના રેસિંગ ટ્રેકમાં શરૃ થયેલી રેસમાં હેમિલ્ટન બીજા ક્રમે રહ્યો હતો, જોકે દિલધડક મુકાબલા બાદ તેણે તેની જ ટીમના હરિફ એવા વાલ્ટ્ટેરી બોટ્ટાસને ૬.૫ સેકન્ડથી વધુ સમયના અંતરથી હરાવ્યો હતો. ચાઈનીઝ ગ્રાં પ્રિ તરીકે ઓળખાતી આ રેસમાં વર્લ્ડ ચેમ્પિયન રેસર લુઈસ હેમિલ્ટને કુલ છઠ્ઠી વખત વિજય મેળવ્યો હતો. જ્યારે તે સતત બીજા વર્ષે અંહી ચેમ્પિયન બન્યો હતો. 

અગાઉ શનિવારે યોજાયેલી ક્વોલિફાઈંગ રેસમાં હેમિલ્ટનને તેના જ સાથી ખેલાડી બોટ્ટાસે ૦.૦૨૩ સેકન્ડથી હરાવ્યો હતો, જેના કારણે પોલે પોઝિશન એટલે કે રેસમાં સૌથી આગળ રહેવાનું ગૌરવ તેને મળ્યું હતુ. જોકે હેમિલ્ટને બીજા ક્રમે શરૃઆત કર્યા બાદ રેસ પર પકડ જમાવી દીધી હતી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KDMqTt
via Latest Gujarati News

Post a Comment

0 Comments