કાર્તિ તમિલનાડુની શિવગંગા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
સુપ્રીમ કોર્ટે આવકવેરા વિભાગની એક અપીલ પર મંગળવારે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની પત્ની નલિની અને પુત્ર કાર્તિને નોટીસ ફટકારી છે. આવકવેરા વિભાગે આ અપીલમાં નલિની ચિદમ્બરમ અને કાર્તિની વિરુદ્ધ કાળા નાણાંના કાયદા હેઠળ ક્રિમિનલ તપાસ રદ કરવાના મદ્રાસ હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે.
જો કે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે નલિની અને કાર્તિને નોટીસ ફટકારી છે. કાર્તિ તમિલનાડુની શિવગંગા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે.
ખંડપીઠે આ કેસમાં કાર્તિના પત્ની શ્રીનિધિ અને અન્યને પાસે પણ જવાબ માગ્યો છે. આવકવેરા વિભાગ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ૨ નવેમ્બર, ૨૦૧૮ના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માગ કરી હતી.
આ માગના સંદર્ભમાં ખંડપીઠે જણાવ્યું હતું કે બીજા પક્ષકારને સાંભળ્યા સિવાય આ તબક્કે સ્ટે આપવાનો અર્થ એવો થશે કે આવકવેરા વિભાગની અપીલ સ્વીકારી લેવામાં આવી છે.
સોલિસિટર જનરલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય આરોપીઓ પણ કાળા નાણાં સંબધિત કેસોમાં ક્રિમિનલ તપાસથી બચવા માટે મદ્રાસ હાઇકોર્ટના આ આદેશને આધાર બનાવી શકે છે. આ કેસ ચિદમ્બરમના પત્ની નલિની, પુત્ર કાર્તિ અને પૂત્રવધુ શ્રીનિધિ દ્વારા વિદેશોમાં સંપત્તિ અને બેંક ખાતાની વિગતો ન આપવા સાથે સંબધિત છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આ ત્રણેયએ બ્રિટનના કેમ્બ્રિજમાં સંયુકત માલિકીવાળી ૫.૩૭ કરોડ રૃપિયાની મિલકતની માહિતી આવકવેરા રિટર્નમાં દર્શાવી ન હતી જે કાળા નાણાંના કાયદા મુજબ અપરાધ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V3rZU6
via Latest Gujarati News
0 Comments