
અમે લોકોના મનની વાત મુજબ સરકાર ચલાવીશું : રાહુલ
(પીટીઆઇ) જાલોર, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આક્ષેપ કર્યો છે કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં દેશના લોકો સાથે અન્યાય કર્યો છે. રાહુલે વધુમાં જણાવ્યું છે કે 'અચ્છે દિન આયેંગે'સૂત્રનું સ્થાન 'ચોકીદાર ચોર હે'એ લઇ લીધું છે.
રાહુલ ગાંધીએ રાજસ્થાનના મારવાડના જાલોરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશના તમામ લોકોને ન્યાય મળશે. લોનની રકમ ભરપાઇ ન કરવા બદલ ધનવાનોને જેલ થતી ન હોય તો ખેડૂતોને પણ સજા ન થવી જોઇએ.
જો ઉદ્યોગપતિઓને લાખો અને કરોડો રૃપિયા અપાતા હોય તો ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, દલિતો અને વેપારીઓને ને કેમ નહીં? કોંગ્રેસના શાસનમાં કોઇને પણ અન્યાય થશે નહીં. દેશને બે હિંદુસ્તાનમાં વિભાજિત કરવામાં નહીં આવે. નોટબંધી અને જીએસટીને કારણે ગરીબો, મજૂરો, નાના વેપારીઓ પાયમાલ થઇ ગયા છે.
રાહુલે જણાવ્યું હતું કે લોકોના બેંકમાં ખાતા ખોલી આપવા બદલ હું તેમનો આભાર માનું છું.
હવે આ ખાતામાં ન્યાય સ્કીમ હેઠળ નાણાં જમા કરવામાં આવશે. રાહુલે જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો અમે લોકોના મનની વાત સાંભળીશું અને તે મુજબ સરકાર ચલાવીશું.
બેંક ખાતામાં ૧૫ લાખ રૃપિયા જમા કરાવવા, દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવી અને ખેડૂતો તેમના પાકનો વ્યાજબી ભાવ આપવો આ તમામ વચનો જૂઠા સાબિત થયા છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલા મોદીએ આ વચનોે આપ્યા હતાં.
રાહુલે જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો દર વર્ષે ૨૨ લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવશે, ખેડૂતો માટે અલગથી બજેટ જાહેર કરવામાં આવશે અને વિધાનસભા, સંસદ અને સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામતનો અમલ કરવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZAETbJ
via Latest Gujarati News
0 Comments