નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
વર્તમાન કેન્દ્ર સરકારના શાસનકાળમાં દેશમાં સેવા ક્ષેત્ર ખર્ચાળ બન્યું છે જ્યારે માલસામાન સસ્તા થયા છે. ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ના અમલને કારણે માલસામાન સસ્તા થયા છે પરંતુ સેવા ક્ષેત્રમાં આ સ્થિતિ જોવા મળતી નથી.
શિક્ષણ ખાસ કરીને પ્રાઈવેટ કોચિંગ કલાસ, હોસ્પિટલ, બસભાડાં સહિતની કેટલીક સેવાઓનો ફુગાવો છેલ્લા ચાર વર્ષમાં દ્વીઅંકી વધારો થયો છે. ખાનગી કોચિંગ કલાસ મારફતના શિક્ષણનો કન્ઝયૂમર પ્રાઈસ ઈન્ફલેશન (સીપીઆઈ) દર દ્વીઅંકમાં પહોંચ્યો છે. જો કે જીએસટીના નીચા દરને કારણે માલસામાનના ભાવ ઘટતા સેવા ક્ષેત્રના ફુગાવાનો માર ગ્રાહકો પર ખાસ પડયો નથી.
જાન્યુઆરી ૨૦૧૫માં ખાનગી કોચિંગનો સીપીઆઈ આધારિત ફુગાવાનો દર જે ૭.૨૫ ટકા હતો તે આ વર્ષના જાન્યુઆરીમાં વધીને ૧૨.૨૫ ટકા રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. આજરીતે હોસ્પિટલ તથા નર્સિંગના ચાર્જિસનો ફુગાવો જે જાન્યુઆરી ૨૦૧૫માં ૬ ટકા હતો તે જાન્યુઆરી ૨૦૧૯માં વધીને ૧૩.૫૦ ટકા રહ્યો છે.
શિક્ષણ તથા હોસ્પિટલ જેવી સેવાઓમાં વધી રહેલી માગની સરખામણીએ પૂરતા ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભા થતા નહી ંહોવાથી તેમાં ફુગાવો ઊંચો રહે છે. આ ઉપરાંત કેટલીક સેવાઓમાં જીએેસટીના દર પણ ઊંચા રખાયા હોવાથી તે મોંઘી બની છે. જીએસટીને કારણે ડયૂરેબલ્સ અને નોન-ડયૂરેબલ્સ માલસામાનના ભાવ નીચે ગયા છે. આજ રીતે બસ ભાડા અને વિમાની ભાડાંમાં પણ વધારો જોવાયો છે.
જાન્યુઆરી ૨૦૧૫માં ફ્રીઝના ભાવનો ફુગાવાનો દર જે ૫.૦૮ ટકા હતો તે વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ઘટીને ૨.૧૫ ટકા પર આવી ગયો છે અને વોશિંગ મસીનનો દર ૩.૨૮ ટકા પરથી ઘટી ૨.૮૫ ટકા પર આવી ગયો છે. ઈલેકટ્રીક ટેબલ ફેનનો દર ૩.૦૫ ટકા પરથી ઘટી ૦.૧૭ ટકા પર આવી ગયાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
ગયા વર્ષના જુલાઈમાં જીએસટી કાઉન્સિલે ફ્રીઝ, ટીવી, વોશિંગ મસીનો પરના જીએસટીના દર ૨૮ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કર્યા છે. પ્રાઈવેટ કોચિંગ તથા હોસ્પિટલ સેવાઓના ચાર્જિસ ટૂંકા સમયાંતરમાં જ બદલાતા રહેતા હોવાથી તેનો ફુગાવો ઊંચો રહે છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VoPPKi
via Latest Gujarati News
0 Comments