
સીઓલ, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
રશિયન પ્રમુખ પુતિન સાથેની મુલાકાત પછી ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને અમેરિકાના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સીએ કિમને ટાંકીને કહ્યું હતું કે ટ્રમ્પે ઉત્તર કોરિયા ઉપર ભરોસો ન કર્યો એટલે બંને દેશોના સંબંધો બગડી રહ્યા છે.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને મુલાકાત કરી હતી. એ દરમિયાન બંને દેશો વચ્ચે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમથી લઈને સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. કિમ જોંગે પુતિનને કહ્યું હતું કે જો ઉત્તર કોરિયાની સુરક્ષાની ખાતરી મળે તો તે પરમાણુ કાર્યક્રમ બંધ કરી દેશે.
આ મુલાકાત પછી ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સીએ કિમ જોંગ ઉનને ટાંકીને એક અહેવાલમાં કહ્યું હતું કે અમેરિકા-ઉત્તર કોરિયાના સંબંધો બગડી રહ્યા છે તેના માટે ટ્રમ્પનો અવિશ્વાસ જવાબદાર છે. કિમે કહ્યું હતું કે બીજી મુલાકાત વખતે ટ્રમ્પે તેના ઉપર વિશ્વાસ કર્યો ન હતો અને ઉત્તર કોરિયાએ પરમાણુ કાર્યક્રમ અટકાવી દીધો છે તેના તરફ શંકાશીલ વલણ રાખ્યું હતું.
કિમ જોંગ ઉને અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિઓને પણ સંબંધો ખરાબ થવા પાછળ જવાબદાર ગણાવ્યા હતા. કિમના કહેવા પ્રમાણે માઈક પોમ્પિઓ બંને દેશો વચ્ચેની મહત્વની વાતચીત આડાપાટે ચડાવી રહ્યા છે. કિમે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે જો ટ્રમ્પ અને માઈકનું વલણ નહીં બદલાય તો બંને દેશો વચ્ચેના સુધરેલા સંબંધો ફરી વખત અતિશય તંગ બની જશે.
ઉત્તર કોરિયાના શાસકને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં કહેવાયું હતું કે જો કોરિયન દેશો વચ્ચે અશાંતિ થશે તો તે માટે ટ્રમ્પ અને અમેરિકા જવાબદાર હશે.
ટ્રમ્પ અને કિમ વચ્ચે પ્રથમ મુલાકાત સિંગાપોરમાં થઈ હતી. પરંતુ ચાલુ વર્ષે વિએટનામમાં થયેલી મુલાકાત અસફળ રહી હતી. બંને દેશોના વડાઓએ આ મુલાકાત પછી નિરાશા વ્યક્ત કરી હતી. ટ્રમ્પ સાથે સંબંધો ખરાબ થયા પછી કિમે પુતિનની મુલાકાત કરી હતી તે પછી સમીકરણો બદલાયા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GMw9HZ
via Latest Gujarati News
0 Comments