ચૂંટણી ઢંઢેરામાં અપાતા વચનો અર્થતંત્ર માટે વેગ આપનારા નહીં બલ્કે ઘાતક



સત્તા મેળવવાની લ્હાયમાં રાજકીય પક્ષો એ ભૂલી જાય છે કે લોકપ્રિય પગલા રાજકોષીય સ્થિતિ માટે ચિંતાજનક બાબત છે

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શાસક તેમજ વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરાની જાહેરાત થઇ ચૂકી છે. મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો દ્વારા આંખ મીંચીને લોકપ્રિય પગલાઓની જાહેરાત કરવા માટે રીતસરની હોડ જામી હોય તેવો માહોલ ઊદભવ્યો છે.

પરંતુ સત્તા મેળવવાની લ્હાયમાં રાજકીય પક્ષો એ ભૂલી જાય છે કે આ પ્રકારના પગલા રાજકોષિય સ્થિતિ માટે ચિંતાજનક સાબિત થાય છે. આ ઉપરાંત, આ પ્રકારના લોકપ્રિય ખર્ચા થકી ઊભા કરાતા દબાણ સામે અર્થતંત્રને ટકાવી રાખવું મુશ્કેલ પૂરવાર થાય છે.

લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ) તથા કોન્ગ્રેસ દ્વારા જારી કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચનો લોકપ્રિય પગલાં છે અને તેના અમલથી દેશની રાજકોષિય શિસ્તતા જોખમાશે એમ મોટાભાગના આર્થિક વિશ્લેષકોનું માનવું છે. આ વચનો એવા સમયે આવી પડયા છે જ્યારે દેશમાં આ વર્ષે નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી છે.

નબળા ચોમાસાની સ્થિતિમાં દેશમાં અર્થતંત્રમાં ફુગાવાજન્ય દબાણ ઊભું થશે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં લઘુત્તમ આવકની ખાતરીની સ્કીમ જાહેર કરી છે એટલું જ નહીં સાથોસાથ ખેડૂતોની લોનમાફી અને શિક્ષણ તથા આરોગ્યસંભાળના બજેટમાં વધારો કરવાનું વચન આપ્યું છે, જ્યારે બીજી બાજુ દેશની રાજકોષિય ખાધ જીડીપીના ૩ ટકા પર રાખવાનો હેતુ વ્યકત કરાયો છે. 

આવી સ્થિતિમાં જાહેર મૂડી ખર્ચ પર કાપ મૂકવો પડે અથવા તો વેરા દર ઊંચે લઈ જવા જેવા પગલાં લેવાની ફરજ પડી શકે છે, જે ચૂંટણી ઢંઢેરાથી વિપરીત સાબિત થશે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. બીજી બાજુ ભાજપ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં ૨૦૩૦ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા ઉપરાંત નાના અને સામાન્ય ખેડૂતોને પેન્શન પૂરા પાડવાનું વચન આપ્યું છે.

જ્યારે ચોમાસુ નબળું રહે છે ત્યારે રાજકોષિય સ્થિતિ પર દબાણ માની શકાય પરંતુ લોકપ્રિય ખર્ચાઓ થકી ઊભા કરાતા દબાણ સામે અર્થતંત્રને ટકાવી રાખવાનું મુશકેલ બને છે એમ અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું. પીએમ કિસાન યોજનાને વિસ્તારીને તેમાં દરેક ખેડૂતોને આવરી લેવાની જાહેરાતનો અમલ દેશની તિજોરી પર રૂપિયા બે ટ્રિલિયનનો બોજો લાદશે જ્યારે કોંગ્રેસની લઘુત્તમ આવક યોજનાના અમલથી રૂપિયા ૩.૬૦ ટ્રિલિયનનો બોજો આવી પડશે. 

મતદાતાઓને આકર્ષવા રાજકીય પક્ષો લોકપ્રિય પગલાંઓ જાહેર કરવાની સ્પર્ધામાં હોય તેવું જણાય છે, પરંતુ આ પગલાંઓ રાજકોષિય સ્થિતિ માટે ચિંતાજનક સાબિત થશે જેને નજરમાં રાખવું રહ્યું એમ તેમણે ઉમેર્યું હતું. જો કે શેરબજારને રાજકોષિય શિસ્તતાની ચિંતા કરતા વધુ ચિંતા સ્થિર સરકારની રહેલી છે. બજાર સ્થિર સરકાર આવે એમ અપેક્ષા રાખી રહ્યું છે. 

હાલ દેશમાં બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિત અનેક પરિબળો કાર્યરત છે જેમાં સુધારા-વધારા કરવાની તાતી જરૂરિયાત છે. આર્થિક મોરચે પણ અનેક પ્રતિકૂળતાઓ માથે તોળાઇ રહી છે.

આ પ્રતિકૂળતાના નિરાકરણ માટે પણ ચોક્કસ વ્યૂહરચના ઘડવી આવશ્યક છે. આમ, આ તાકીદની જરૂરિયાતોને સાઇડ લાઇન કરીને સત્તાધારી પક્ષ દ્વારા રજૂ કરાયેલ ચૂંટણી ઢંઢેરામાં ફરી એકવાર માત્રને માત્ર મતદારોને આકર્ષવા ઊંચા લક્ષ્યાંકો જ રજૂ કરાયા છે. આ ચૂંટણી ઢંઢેરામાં અર્થતંત્રને વેગ મળે તે પ્રકારની ખાસ કોઇ જ જાહેરાત થઇ નથી.

ભાજપનાં ચૂંટણી ઢંઢેરામાં એવો દાવો કરાયો છે કે ૨૦૩૦ સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવી દઇશું. દેશના અર્થતંત્રની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને વિચારીએ આ બાબત શક્ય છે ખરી ?

હાલ દેશનું અર્થતંત્ર એક નહીં અનેક પ્રતિકૂળતાનો સામનો કરી રહ્યું છે. જેમાં બે સમસ્યા મુખ્ય છે. એક રોજગારી અને બીજી કૃષિ ક્ષેત્ર. દેશમાં રોજગારીના મોરચે હાલ ગંભીર સ્થિતિનું નિર્માણ થવા પામેલ છે.  તાજેતરમાં હાથ ધરાયેલા વિવિધ સર્વેમાં મતદારોએ વર્તમાન સરકાર રોજગાર નિર્માણમાં  નબળી રહી હોવાનો સામાન્ય સૂર નીકળ્યો હતો.  

દેશમાં રોજગાર ક્ષેત્રે ચિંતાની સ્થિતિ માટે અનેક કારણો જવાબદાર રહેલા છે, પરંતુ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના કર્મચારીબળના સર્વે પર બારીકાઈથી નજર નાખતા જણાય છે કે, દેશમાં કૃષિ ક્ષેત્રે રોજગાર પડી ભાંગતા બેરોજગારીનો આંક વધ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે. દેશમાં બેરોજગારીના ઊંચા આંક માટે કૃષિ ક્ષેત્રમાં નબળા રોજગાર કારણભૂત હોવાનો આ સર્વેનો સૂર છે.

કામ કરવાની વય ધરાવતા વ્યક્તિઓની કૃષિ ક્ષેત્રે રોજગારીમાં ૨૦૧૭-૧૮માં પુરુષોમાં આઠ ટકા અને મહિલાઓમાં ૯.૩૦ ટકા ઘટાડો નોૅધાયો છે.  ૨૦૧૧-૧૨માં ગ્રામ્ય ક્ષેત્રે કામ કરવાની વય ધરાવતા વ્યક્તિઓમાં રોજગાર ધરાવતા કુલ કર્મચારી બળમાંથી ૨૬.૭૦ ટકા મહિલાઓ કૃષિ ક્ષેત્રે રોજગાર ધરાવતી હતી.

૨૦૧૭-૧૮માં આ આંક ઘટીને ૧૭.૪૦ ટકા રહ્યો હતો એટલે પાંચ વર્ષના ગાળામાં ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે રોજગારી ધરાવતી મહિલાઓની સંખ્યામાં ૯.૩૦ ટકા ઘટાડો નોંધાયો છે. પુરુષોમાં આ ટકાવારી ૪૭.૭૦ ટકા પરથી ઘટી ૩૯.૭૦ ટકા ઘટી છે જે પુરુષોની સંખ્યામાં ૮ ટકાનો ઘટાડો થયાનું સૂચવે છે. 

૨૦૧૧-૧૨માં ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર નહીં ધરાવતી મહિલાઓની ટકાવારી ૬૪.૩૦ ટકા હતી જે ૨૦૧૭-૧૮માં વધીને ૭૬.૩૦ ટકા પર આવી ગયાનું એનએસએસઓના રિપોર્ટમાં જે સરકારે હજુ જાહેર કર્યો નથી જણાવાયું છે. ૨૦૧૧-૧૨માં ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર નહીં ધરાવતા પુરુષોની ટકાવારી ૧૯.૮૦ ટકા હતી જે ૨૦૧૭-૧૮માં વધીને ૨૭.૬૦ ટકા રહી હતી.

આમ બેરોજગારીના વધેલા આંકમાં કૃષિ ક્ષેત્રે વધેલી બેરોજગારી જ મુખ્યત્વે કારણભૂત હોવાનું  કહી શકાય એેમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.  ગ્રામ્ય સ્તરે કૃષિની ગંભીર સ્થિતિ તથા ખેતમજુરોના વેતનમાં થયેલા ઘટાડા કૃષિ ક્ષેત્રમાં કર્મચારીબળની સંખ્યામાં ઘટાડા માટેના કારણો બની રહ્યા છે. 

બીજી મહત્વની પ્રતિકૂળતા પર નજર કરીએ તો તે કૃષિ કટોકટીની છે. દેશનું કૃષિક્ષેત્ર અનેક પ્રતિકૂળતાનો સામનો કરી રહ્યું છે તે ટાણે આ પ્રતિકૂળતાઓ હળવી કરવાના બદલે ફરી એકવાર કૃષિ ક્ષેત્ર માટે અનેક યોજના, વચનોની જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં કરાઇ છે. કૃષિ ક્ષેત્રમાં કટોકટી સર્જાય કે તુરંત દર વરસની જેમ અનેક દિશાઓમાંથી સલાહ-સૂચનોનો મારો શરૂ થાય છે. 

જુદાં જુદાં રાજકીય પક્ષો પાસેથી મળતો પ્રતિસાદ અપેક્ષિત છે. ચૂંટણીઓ માથા પર તોળાય છે ત્યારે કોઈ રાજકીય પક્ષ ખેડૂતોની વિરુદ્ધ બોલવા તૈયાર નથી. જો કે અગાઉ પણ કોઈ રાજકીય પક્ષ ખેડૂતો સામે બોલતો સાંભળ્યો નથી. પણ ખાટલે ખોડ એ છે કે રાજકીય પક્ષો કંઈ કરતા પણ નથી.

પાક લેવામાં થતા ખર્ચથી ૫૦ ટકા વધુ મહત્તમ ટેકાનો ભાવ નક્કી કર્યો એમા કંઈ ગોલ નથી ફટકાર્યો. હકીકતમાં આનાથી ખરાબ બાબત વિશેષ કોઈ હોઈ ન શકે. સમાજના અન્ય વર્ગ અથવા સરકાર પર આનાથી બોજો આવશે અને અંતે સમગ્ર બોજાનું વહન ખેડૂતોને કરવાનું પણ આવશે.

પાશ્ચાત્ય વિશ્વમાં આ બાબત શક્ય છે પણ ભારતમાં આ મોડેલ આફતનું પડીકું પૂરવાર થશે. સુધરેલા વિશ્વમાં ૨થી ૧૦ ટકા ખેડૂતોનો બોજો બાકીના ૯૦ ટકા વચ્ચે વહેંચાય છે. જ્યારે ભારતમાં ૫૦ ટકા કૃષિ આધારિત વસતી છે. એમનો બોજો અન્ય ૫૦ ટકા વસ્તી વચ્ચે વહેંચવાથી આર્થિક સંતુલન પૂર્ણપણે ડગમગી જશે.

ટૂંકમાં રાજકીય પક્ષો સત્તા હાંસલ કરવા આંખ મીંચીને મતદારોને આકર્ષે તે પ્રકારના લોભામણા વાયદા કરે છે જે સરવાળે તો અર્થતંત્ર માટે ઘાતક જ પૂરવાર  થાય છે એમ કહેવું અસ્થાને નથી જ.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UBuNZj
via Latest Gujarati News

Post a Comment

0 Comments