
નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
પાકિસ્તાન સ્થિત આતંકવાદી મસૂદ અઝહરને યુએનનો વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન સતત અવરોધ ઊભો કરે છે. મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન અવરોધ ન ખડો તે માટે અમેરિકા-ફ્રાન્સ-બ્રિટને ચીનને અલ્ટિમેટમ આપ્યું છે.
આતંકવાદી મસૂદ અઝહર ઉપર વૈશ્વિક પ્રતિબંધ મૂકાય તે માટે યુએનમાં પ્રસ્તાવ મૂકાયો હતો, પરંતુ ચીને આડોડાઈ કરીને એ પ્રતિબંધના પ્રસ્તાવ સામે વિટો પાવર વાપર્યો હતો. તે વખતે ચીને આ પ્રતિબંધના પ્રસ્તાવ ઉપર ટેકનિકલ કારણ આગળ ધરીને હોલ્ટ મૂકાવ્યો હતો. તે પછી અમેરિકા-બ્રિટન-ફ્રાન્સે ફરીથી નવો પ્રસ્તાવ મૂક્યો હતો.
ચીને મૂકેલા હોલ્ટની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, એટલે હવે અમેરિકા-ફ્રાન્સ-બ્રિટને ચીન ઉપર દબાણ વધાર્યું છે. યુએનના આ ત્રણ કાયમી સભ્યોએ ચીનને અલ્ટિમેટમ આપીને ૨૩મી એપ્રિલ સુધીમાં ટેકનિકલ હોલ્ટનો યોગ્ય જવાબ આપવાની તાકીદ કરી છે. ચીને ટેકનિકલ હોલ્ટના સંદર્ભમાં યુએનના ૧૫ સભ્યો સમક્ષ અહેવાલ રજૂ કરીને મસૂદ ઉપર પ્રતિબંધ કેમ ન મૂકવો જોઈએ તેનો સંતોષકારક ખુલાસો કરવાનો હતો. એ ખુલાસો હજુ સુધી ન થતાં હવે ફરીથી અમેરિકા સહિતના ત્રણેય દેશોએ ચીન ઉપર દબાણ કર્યું છે.
યુએનના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ત્રણેય દેશોએ ચીનને મસૂદ ઉપર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવમાં મૂકેલો હોલ્ટ હટાવીને પ્રતિબંધનો માર્ગ મોકળો કરવા જણાવ્યું છે.
પુલવામામાં ભારતીય જવાનો ઉપર મસૂદના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આતંકવાદી હુમલો કર્યો તે પછી મસૂદ ઉપર વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો, ચીને તેમાં ટેકનિકલ હોલ્ટના નામે વિટો પાવર વાપરીને મસૂદ અઝહરને બચાવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UROEm7
via Latest Gujarati News
0 Comments