પટના, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
બિહારના કટિહાર જિલ્લામા એક પ્રચાર રેલી દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુના એક નિવેદનને પગલે ભારે વિવાદ સર્જાયો છે.
સિદ્ધુએ અહીં કોંગ્રેસના ઉમેદવાર તારીક અનવર માટે પ્રચાર કર્યો હતો, જે દરમિયાન રેલીમાં તેમણે મુસ્લિમોને એક થઇને મોદીને હરાવવા માટે કહ્યું હતું, સિદ્ધુના આ નિવેદન બાદ ભાજપે ચૂંટણી પંચને અપીલ કરી છે કે જે રીતે અન્ય નેતાઓ વિરુદ્ધ કોમવાદી નિવેદનો બદલ કાર્યવાહી થઇ તેવી જ કાર્યવાહી સિદ્ધુ સામે પણ કરવામાં આવે.
સિદ્ધુએ રેલીમાં મુસ્લિમોને ટાંકીને જણાવ્યું હતું કે તમે અહીં લઘુમતીમાં નહીં પણ બહુમતીમાં છો, તમારા મત અહીં ૬૪ ટકા છે, ઓવૈસી જેવાની જાળમાં ન ફસાતા, કેમ કે તેઓ ભાજપના જ સમર્થક છે. તમારી તાકાતને ઓળખો અને નરેન્દ્ર મોદીને સુલટવા માટે એક થઇને મતદાન કરો.
આ પહેલા માયાવતી પર પણ કોમવાદી નિવેદનના આરોપો લાગ્યા હતા, માયાવતીએ જણાવ્યું હતું કે ભાજપને માત્ર કોંગ્રેસ નહીં હરાવી શકે તેને તો માત્ર મહાગઠબંધન જ હરાવી શકે, તેથી મુસ્લિમો કોંગ્રેસ પાછળ પોતાનો મત વેડફે નહીં પણ મહાગઠબંધનને મત આપે.
જ્યારે બિહારના કટિહારમાં ચૂંટણી સભાને સંબોધતી વેળાએ નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે મુસ્લિમ ભાઇઓ હું તમને ચેતાવણી આપવા આવ્યો છું, આ લોકો તમારા ભાગલા પાડી રહ્યા છે. આ લોકો અહીં ઓવૈસી જેવાને લાવીને તમારા મત વિભાજીત કરવા માગે છે. પણ તમે એક થઇને મક્કમ બનજો અને મોદીને હરાવવા માટે કોંગ્રેસને મતદાન કરજો.
જો તમે એક થઇને મત આપ્યા તો મોદી હારી જશે. સિદ્ધુના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે સિદ્ધુ કોમવાદી નિવેદન કરી રહ્યા છે તેમની વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવે. ચૂંટણી પંચ સામે ચાલીને સૂઓમોટો અંતર્ગત કાર્યવાહી કરે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XlxFq1
via Latest Gujarati News
0 Comments