તૃણમૂલ કોંગ્રેસનો પ્રચાર કરતા બાંગ્લાદેશી અભિનેતાના વિઝા રદ


(પીટીઆઈ) નવીદિલ્હી,તા.16 એપ્રિલ, 2019, મંગળવાર

કેન્દ્રે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ માટે કથિત ચૂંટણી પ્રચાર કરતા, ભારતની મૂલાકાતે આવેલા એક બાંગ્લાદેશી અભિનેતાના બિઝનેસ વિઝા રદ કરી એને દેશ છોડી જવા ફરમાવ્યું છે.

ફિરદોઉસ અહમદ નામના અભિનેતાને આજે 'બ્લેક લિસ્ટેડ' કરાયો હોવાથી એના ભાવિ ભારત પ્રવાસો જોખમમાં આવી પડયા છે.ભારતની મુલાકાતે આવેલા ફિરદોસ અહમદ નામના બાંગ્લાદેશી નાગરિક દ્વારા વિઝાના નિયમોનો ભંગ થઈ રહ્યો હોવાનો રિપોર્ટ બ્યુરો ઓફ ઇમિગ્રેશન તરફથી મળતા, ગૃહ મંત્રાલયે એના બિઝનેસ વિઝા રદ કર્યા છે. અને એને 'લિવ ઈન્ડિયા ' નોટિસ પાઠવી છે. એને બ્લેક લિસ્ટ પણ કરાયો છે.

કોલકત્તા સત્તાવાળાઓને, આ હુકમના પાલનની તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે,'' એમ ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું. કેન્દ્ર સરકારે કોલકાત્તા સ્થિત ફોરેનર રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસર (એફઆરઆરઓ) પાસેથી લોકસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારનો કથિત પ્રચાર કરતા આ બાંગ્લાદેશી અભિનેતા વિષે રિપોર્ટ માગ્યો એના કલાકોમાં આ વિદેશીના વિઝા રદ કરવાનું પગલું લેવાયું.

અહમદે કેટલાક ભારતીય અભિનેતાઓ સાથે રાયગંજ બેઠક પરના તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયાલાલ અગરવાલ માટેના પ્રચારકાર્યમાં કથિત ભાગ લીધો હતો.આ બાંગ્લાદેશી ફિલ્મ સ્ટાર ભારત- બાંગ્લાદેશ સરહદ પાસેના હેમતાબાદ અને કરન્ડિધિ ખાતે યોજાયેલી પ્રચાર - રેલીઓમાં અગરવાલ માટે મત માગતા કથિતપણે જોવા મળ્યો હતો. એફઆરઆરઓ એના કાર્યક્ષેત્રના વિસ્તારમાં વિઝા સેવા પૂરી પાડવા માટે જવાબદાર છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V2sJsK
via Latest Gujarati News

Post a Comment

0 Comments