
- અહીં શિવસેનાના વર્તમાન સાંસદ અને ભૂતપૂર્વ સાંસદ એનસીપીના આનંદ પરાંજપે વચ્ચે જોરદાર મુકાબલો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
મુંબઈના પડોશી થાણે શહેરની લોકસભા મતદાર ક્ષેત્રમાં (મીરા-ભાઇંદર, ઓવળા માજીવાડા, કોપરી-પાચખાડી થાણે અરોલી બેલાપુર) વર્તમાન સાંસદ અને શિવસેના-ભાજપ મહાયુતિના ઉમેદવાર રાજન વિચારે અને એનસીપી કોંગ્રેસ-ગઠબંધન ઉમેદવાર આનંદ પરાંજપે વચ્ચે સીધો ચૂંટણીના મેદાનમાં રસાકસીભર્યા જંગ છે. જોકે આ મતદાર ક્ષેત્રમાં ૨૩ ઉમેદવારોએ ચૂંટણીમાં નસીબ અજમાવવા ઝંપલાવ્યું છે.
મતદારોની સંખ્યાને જોતા મહારાષ્ટ્રમાં થાણે લોકસભા મતદારક્ષેત્રમાં સૌથી વધુ મતદારો છે. અને મોટું મતદાન ક્ષેત્ર છે. અહીં ૨૩ કરોડ સાતલાખ ૨૩૨ મતદારો છે. ગત ચૂંટણીની તુલનામાં અહીં બે લાખ ૩૪ હજાર ૭૫૬ મતદારો વધારે છે.
આ મતદાર ક્ષેત્રનો થાણે, નવી મુંબઈ તેમ જ મીરા-ભાયંદરનો વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તાર પશ્ચિમ, મધ્ય, હાર્બર અને ટ્રાન્સહાર્બર રેલવે લાઇન સાથે જોડાયેલો છ.ે
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં આ જિલ્લાના લોકોને ભારે તકલીફ સાથે પ્રયાસ કરવો પડે છે. આ સિવાય આ થાણે-મીરા રોડ-ભાયંદર એરિયામાં પીવાના પાણીની સમસ્યા, પરિવહન, ટ્રાફિક જામ અને ફેરિયાની સૌથી વધુ સમસ્યા છે. આ વિસ્તાર ત્રણ મહાનગરપાલિકા આવે છે. નવી મુંબઈમાં પુનર્વિકાસ અને પુનર્વસનની મોટી સમસ્યા છે. સિડકો હેઠળ આવતા જૂના એરિયામાં પુનર્વિકાસનું કામ રખડી પડયું છે આને પાછા પાટા પર લાવવાનું કામ હવે નવા ચૂંટાઈને આવનારા સાંસદના માથે છે. આ એરિયામાં વિકાસની અસીમ સંભવના છે. આગામી દિવસોમાં મેટ્રોના જાળ બિછાવવામાં આવશે.
થાણે લોકસભા બેઠકનો ઇતિહાસ
થાણે લોકસભાનો મતદાર ક્ષેત્ર અગાઉ કોલાબા લોકસભા ક્ષેત્રનો એકભાગ હતો. વર્ષ ૧૯૮૪માં કોંગ્રેસના શાંતારામ ધોલપ, ૧૯૮૧માં ભાજપના રામ કાપસેએ જીત મેળવ્યો હતો. ત્યાર બાદ શિવસેનાના પ્રકાશ પરાંજપેનું એકહથ્થુ રાજ ચાલતું હતું. મતદારોએ પ્રકાશ પરાંજપેને વર્ષ ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪ લગાતાર પાર્લામેન્ટમાં મોકલ્યા હતા અને સાંસદ હતા ત્યારે તેમનું નિધન થયું હતું. વર્ષ ૨૦૦૮માં યોજાયેલી પેટા ચૂંટણીમાં શિવસેનાએ પ્રકાશ પરાંજપેના વારિસ આનંદ પરાંજપેને મોકો આપ્યો હતો. આનંદ પરાંજપે વિજયી થયા હતા.
વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં આનંદ પરાંજપે થાણેની બેઠક છોડીને કલ્યાણ જતા રહ્યા અને ત્યાં પણ વિજયી થયા હતા. તેમનો વિજય નારાજગીમાં બદલાઈ ગયો હતો. માતોશ્રી સાથે અણબનાવ થતાં તેમણે શિવસેનાને 'જય મહારાષ્ટ્ર' (છેડો ફાડયોે) એનસીપીની ઘડિયાળ હાથમાં લીધી વર્ષ ૨૦૦૯માં થાણેમાંથી એનસીપીના સંજીવ નાઇકે શિવસેના નેતા વિજય ચૌગુલને હરાવ્યા હતા. એટલે કે વર્ષો પછી અહીં શિવસેના સિવાય બીજા પક્ષનો ઉમેદવાર જીત્યો હતો. જોકે ત્યારે આ જીત પર રાજ ઠાકરેના મનસેનો મોટો હાથ હતો.
જોકે વર્ષ૨૦૧૪માં નાઇકને હરાવીને શિવસેનાના રાજન વિચારે સાંસદ બન્યા હતા. આ બેઠક પર શિવસેનાનો ૧૮ વર્ષ સુધી કબજો રહ્યો હતો. અને વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં વર્તમાન સાંસદ રાજન વિચારે અને થાણેના એનસીપીના અધ્યક્ષ આનંદ પરાંજપે વચ્ચે સીધી ટક્કર છે.
સ્થાનિક ગણિત
આ લોકસભા મતદાર ક્ષેત્રમાં કુલ મળીને છ વિધાનસભા ક્ષેત્ર આવે છે. આમાંથી શિવસેના પાસે ત્રણ, ભાજપના બે અને એનસીપીના એક વિધાનસભ્યનો સમાવેશ થાય છે. મીરા-ભાયંદર વિધાનસભા ક્ષેત્રથી ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા, કોપરી-પાંચપાખડીમાંથી શિવસેનાના વિધાનસભ્ય એકનાથ શિંદે, ઓવલ-માજીવાડા વિધાનસભા ક્ષેત્રથી શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક, થાણેમાં ભાજપના વિધાનસભ્ય સંજીવ કેલકર, ઐરોલી વિધાનસભા ક્ષેત્રથી એનસીપીના વિધાનસભ્ય સંદીપ નાઇક અને બેલાપુરમાં વિધાનસભા ક્ષેત્રથી ભાજપના વિધાનસભ્ય મંદા મહાત્રે છે.
અહીં ત્રણ મહાનગર પાલિકાઓમાં શિવસેના-ભાજપનું જોર છે. પણ થાણે પાલિકામાં શિવસેના, નવી મુંબઈ પાલિકામાં એનસીપી અને મીરા-ભાયંદર પાલિકા પર ભાજપની સત્તા છે.
આ મતદાર ક્ષેત્રમાં મરાઠી, ગુજરાતી, રાજસ્થાની, હિન્દી ભાષી અને મુસ્લિમોની સંખ્યા વધારે છે.
વર્તમાન સાંસદનો રિપોર્ટ કાર્ડ
ચાર વખત નગરસેવક રહી ચૂકેલા રાજન વિચારે થાણે પાલિકાના મેયર પણ હતા. ત્યાર બાદ વિધાનસભ્ય બન્યા પછી સાંસદ થયા હતા. પાર્લામેન્ટમાં રાજન વિચારેની હાજરી ૭૮ ટકા રહી છે. લગભગ બાવન ચર્ચામાં ભાગ લીધો હતો. કુલ ૪૯૦ પ્રશ્ન પૂછ્યા હતા. પોતાના ૨૫ કરોડ રૂપિયાના વિકાસ ફંડમાંથી ૯૮.૯૫ ટકા ખર્ચ કર્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UHPgqn
via Latest Gujarati News
0 Comments