
મુંબઇ તા.18 એપ્રિલ 2019, ગુરુવાર
કેન્સર થયું છે એવી જાણ થતાં ભલભલા લોકો ભાંગી પડે છે પરંતુ મને જ્યારે કહેવામાં આવ્યું કે તમને બ્રેસ્ટ કેન્સર થયું છે ત્યારે હું હસી પડી હતી. એ જોઇને ડૉક્ટર સુદ્ધાંને નવાઇ લાગી હતી એમ તાહિરા ખુરાનાએ કહ્યું હતું.
'આયુષમાનની ફિલ્મ અંધાધૂંધ અને ત્યારબાદ બધાઇ હો રજૂ થવાની લગભગ તૈયારી ચાલતી હતી ત્યારે મારું નિદાન થયું હતું કે મને બ્રેસ્ટ કેન્સર થયું છે. તમે નહીં માનો પરંતુ હું ખડખડાટ હસી પડી હતી. એ જોઇને નિદાન કરનારા ડૉક્ટર અને એમના સહાયકોને પણ નવાઇ લાગી હતી કે આ બાઇ પાગલ થઇ ગઇ કે શું ?' એમ આયુષમાન ખુરાનાની પત્ની તાહિરાએ કહ્યું હતું.
એણે કહ્યું કે મેં આયુષમાનને પ્રોત્સાહિત કરતાં કહેલું કે તમે તમારી ફિલ્મોના પ્રમોશનમાં બીઝી રહેજો. આપણે કેન્સર સામે લડી લઇશું અને વિજેતા નીવડશું. જરા પણ ચિંતા કરવાની જરૃર નથી' એમ તાહિરાએ કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે યોગાનુયોગે આયુષમાનની રજૂ થયેલી બંને ફિલ્મો હિટ નીવડી અને હું પણ કેન્સર સામેની લડાઇ જીતી ગઇ એમ કહી શકું. મારા પતિને શૉક લાગ્યો હતો પરંતુ સાચું માનજો, મેં એક પણ આંસુ વહાવ્યું નથી. હું માનસિક રીતે તૈયાર થઇ ગઇ હતી કે જે થવાનું હોય તે થાય, હું હિંમત હારીશ નહીં.
પોતે શી રીતે કેન્સરનો સામનો કરવા જેટલી હિંમત કેળવી શકી એ વિશે બોલતાં તાહિરાએ કહ્યું કે હું છેલ્લાં ચાર વર્ષથી બૌદ્ધિઝમને અનુસરી રહી છું. ભગવાન બુદ્ધે જે મધ્યમ માર્ગની વાત કરી છે એની મારા પર બહુ સારી અસર પડી હતી.
જો કે એણે એમ પણ કહ્યું હતું કે આવા સમયે તમારા પરિવારના સપોર્ટની અનિવાર્ય જરૃર હોય છે. તમે એકલે હાથે આ બીમારી સાથે લડી શકો નહીં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IqX5yX
via Latest Gujarati News
0 Comments