
એટર્ની જનરલ વિલિયમ બારે મૂલરના અહેવાલને ટાંકીને કહ્યું
પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર
અમેરિકાના એટર્ની જનરલ વિલિયમ બારે તપાસ અધિકારી રોબર્ટ મૂલરનો અહેવાલ જાહેર કરતા કહ્યું હતું કે અમેરિકામાં ૨૦૧૬માં થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની કોઈ જ સંડોવણી ખૂલી નથી. ટ્રમ્પે રશિયાની મદદ લીધી હોવાનો આરોપ પાયાવિહોણો છે.
ન્યાયવિભાગ તરફથી એટર્ની જનરલ વિલિયમે કહ્યું હતું કે રોબર્ટ મૂલર સમિતિનો અહેવાલ ન્યાય વિભાગને મળી ચૂક્યો છે. રોબર્ટ મૂલરે ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અધિકારીઓ અને રશિયન સરકારના અધિકારીઓ વચ્ચેની સંડોવણી બાબતે તમામ પ્રકારની તપાસ કરી હતી. બધી જ લિન્ક્સની તપાસ થઈ હતી, પરંતુ એમાં એક પણ લિંક્સમાં રશિયન અધિકારીઓ અને ટ્રમ્પના ચૂંટણીપ્રચાર અધિકારીઓ વચ્ચે કોઈ જોડાણ હોવાનું જણાયું નથી.
૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી હસ્તક્ષેપ કર્યો હતો એવો ગંભીર આરોપ લાગ્યો તે પછી વિપક્ષોએ ટ્રમ્પ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ટ્રમ્પના પ્રચાર અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ એવી ય માગણી થઈ હતી. તપાસના અંતે સંડોવણી સાબિત ન થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.
એટર્ની જનરલે કહ્યું હતું કે તમામ પ્રકારની શક્યતાઓ ચકાસ્યા પછી જ આ અહેવાલ તૈયાર થયો છે અને તેમાં એવું સાબિત થયું છે કે અમેરિકાની ચૂંટણીમાં રશિયન અધિકારીઓની સંડોવણીનો આરોપ પાયાવિહોણો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZktWuG
via Latest Gujarati News
0 Comments