જેટ એરવેઝ ઠપ થઇ જતા નિકાસ મોરચે પ્રતિકૂળતા : વેન્ડર્સો પણ મુશ્કેલીમાં મુકાયા

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ, 2019, શુક્રવાર

દેવામાં ડૂબેલી જેટ એરલાઇન્સના શટર પડી જતા તેના કર્મચારીઓ તો મુશ્કેલીમાં મુકાયા જ તેની સાથોસાથ આ કંપની સાથે સંકળાયેલા અન્ય નાના મોટા વેન્ડર્સ/ ધંધાર્થીઓ પણ તેમના પેન્ડીંગ બીલને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો બીજી તરફ જેટ એરવેઝ ઠપ થઈ જતાં ફળ અને શાકભાજીની નિકાસ પર પણ પ્રતિકૂળ અસર થવા પામી છે.

જેટ એરવેઝ દ્વારા જે તે વેન્ડર્સ અને કંપનીઓને ચૂકવણી કરવાની બાકી હોય તેનું લિસ્ટ ઘણું લાંબુ છે. જેમના બિલ ચૂકવવાના બાકી છે. તેમાં પ્રથમ ક્રમાંકે સ્ટાર હોટલો આવે છે. કંપની દ્વારા દેશભરના મોટા શહેરોમાં પોતાના ક્રૂ-મેમ્બર્સને રહેવા માટે સ્ટાર હોટલોમાં અગાઉથી જ બુકિંગ કરાવાતું હતું તે રીતે જ ફ્લાઇટમાં અપાતા ભોજન પૂરા પાડતા કેટરીંગ સર્વિસ હોલ્ડરોને પણ પેમેન્ટ કરવાનું બાકી છે. જો કે, કેટલાક કેસમાં બાર્ટર સિસ્ટમ હોય છે તેમ છતાં આ બેઉ ક્ષેત્રે મોટા પેમેન્ટ બાકી છે તેમ જાણકારોએ જણાવ્યું હતું.

લો-કોસ્ટ એરલાઇન્સમાં પેકેજ્ડ ફૂડ અપાતું હોય છે જ્યારે જેટ એરવેઝમાં સમય અનુસાર લંચ/ ડીનર જેવા તાજા ભોજન આપવાના હોઈ લો કોસ્ટ એરલાઇન્સની તુલનાએ તેનુંં કેટરીંગ બિલ પ્રમાણમાં ઉંચુ હોઈ શકે છે.જેટ એરવેઝની ફ્લાઇટ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત હોવાના કારણે તેના થકી મોટા પાયે ફળ અને શાકભાજીની નિકાસ થતી હતી. ઉપલબ્ધ માહિતી મુજબ મુંબઈથી ફળ અને શાકભાજીની લંડન, પેરિસ, સિંગાપોર અને એમ્સ્ટર્ડમ ખાતે થતી કુલ નિકાસમાંથી ૫૦ ટકા નિકાસ જેટએરવેઝ થકી કરાતી હતી.

ત્યારબાદ ૩૦થી ૪૦ ટકા નિકાસ એમીરેટ્સ એરલાઇન્સ દ્વારા થતી હતી.પરંતુ, જેટ એરવેઝ ઠપ થતા નિકાસ કામકાજ પર ગંભીર અસર થઈ છે. અગાઉ કિલોદીઠ રૂા. ૭૫થી ૮૦ના ભાવે ફળ- શાકભાજી મોકલતા હતા પરંતુ જેટની ફ્લાઇટ બંધ થતા આ ભાવ વધીને કિલોદીઠ રૂા. ૧૦૦થી પણ વધુ થવાના કારણે નિકાસ મોંઘી થઈ છે. બીજી તરફ ભાવના મુદ્દે વિદેશી ખરીદદારો સાથે ઘર્ષણ થઈ રહ્યું છે.

આમ, જેટ એરવેઝના શટર પડી જતાં કર્મચારીઓ તો મુશ્કેલીમાં મુકાયા જ છે તેની સાથોસાથ અન્ય વેન્ડર્સ પણ મુશ્કેલીમાં મુકાવાની સાથોસાથ નિકાસના મોરચે પણ પ્રતિકૂળ સ્થિતિ ઉદ્ભવી છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UoIkyd
via Latest Gujarati News

Post a Comment

0 Comments