દેશભરમાં ગરમીનો કાળો કેર, કોટામાં લૂ લાગવાથી મજૂરનું મોત


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

આકરો તડકો અને ભીષણ ગરમીના કારણે દિલ્હી-એનસીઆરના રહેવાસીઓ માટે આગામી થોડા દિવસો ખૂબ જ મુસીબતવાળા સાબિત થશે. આ તરફ હવામાન વિભાગે મુંબઈના અનેક વિસ્તારોમાં પણ ગરમીનો પારો ઉંચે ચડવાની અને ભીષણ ગરમીની ચેતવણી આપેલી છે. ત્યારે રાજસ્થાનના કોટામાં ગરમીનો પારો ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસને પણ પાર કરી ઔગયો છે. 

રવિવારે કોટામાં ગરમ હવાના કારણે લૂ લાગવાથી એક મજૂરનું મૃત્યુ થયું હતું. મનરેગા અંતર્ગત કામ કરી રહેલા ૪૫ વર્ષીય શાતિલાલ મીણા કામ કરતી વખતે અચાનક જ બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

રાજસ્થાનના કોટા જિલ્લામાં શુક્રવારે ગરમીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું હતું. શુક્રવારે કોટાનું મહત્તમ તાપમાન ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન ૨૯.૪ ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું.  આ તરફ તેલંગાણાના ઉત્તરી વિસ્તારોમાં પણ છેલ્લા ત્રણ દિવસોથી હીટવેવનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે.

 હવામાન ખાતાએ જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશાએથી ફુંકાઈ રહેલા ગરમ પવનના કારણે રાજ્યના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.

 છેલ્લા ૨૪ કલાકમાં નિઝામાબાદનું મહત્તમ તાપમાન રેકોર્ડ બ્રેક ૪૪.૭ ડિગ્રી જોવા મળ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં રામાગુંદમ અને અદિલાબાદનું મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી જ્યારે હૈદરાબાદનું તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હતું. ૨૦૧૬માં હિટ વેવના કારણે તેલંગાણામાં ૩૦૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.

એપ્રિલ મહિનામાં જ આ હાલત છે તો આગામી મે અને જૂન મહિનામાં શું હાલત થશે તે વિચારવું જ રહ્યું. છેલ્લા અનેક વર્ષોથી ગરમી તેના જૂના રેકોર્ડ તોડી રહી છે અને લોકો તથા પશુ-પક્ષીઓ માટે ત્રાસદાયી બની રહી છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PyQ7sH
via Latest Gujarati News

Post a Comment

0 Comments