નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
કોંગ્રેસ અને અન્ય પક્ષોના પ્રતિનિધિ મંડળે આજે ચૂંટણી પંચ સમક્ષ ઇવીએમના એક મુદ્દે ફરિયાદ કરી હતી. આ પક્ષોએ ફરિયાદ કરી છે કે ઇવીએમમાં કમળના નિશાનની નીચે ભાજપ લખેલું છે જ્યારે અન્ય પક્ષોના નિશાનની નીચે તેમના પક્ષોના નામ લખેલા નથી.
તૃણમુલના દિનેશ ત્રિવેદીએ માહિતી આપી હતી કે ગઇકાલે બેરકપુર લોકસભા વિસ્તારમાં તેમના કાર્યકર્તાઓએ જોયું હતું કે ઇવીએમમાં કમળના ચૂંટણી ચિન્હની નીચે ભાજપ લખેલું હતું. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરને પણ જાણ કરવામાં આવી છે. દિનેશ ત્રિવેદીએ જણાવ્યું છે કે આ નિયમની વિરુદ્ધ છે.
૨૦૧૪ની ચૂંટણીમાં કમળના નિશાનની નીચે પાણી હતું પરંતુ ૨૦૧૯માં ઇવીએમમાં કમળની નીચે ભાજપ લખેલુ છે. જેના પગલે અમે સમગ્ર કેસની તપાસની માગ કરી છે.
બીજી તરફ કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ પણ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પાંચ દળોનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચને મળ્યું છે. તૃણમુલ, કોંગ્રેસ, રાજદ, ટીડીપી અને એનસીપીના નેતા પ્રતિનિધિ મંડળમાં સામેલ હતાં. આ ડેલિગેશનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી, અહેમદ પટેલ તથા તૃણમુલ કોંગ્રેસના દિનેશ પટેલ અને ડેરેક ઓ બ્રેન સામેલ હતાં.
તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટણી પંચ સામે બે માગ રાખી છે. એક એવા તમામ બેલેટ યુનિટ દૂર કરવામાં આવે જેમાં કમળના નિશાન નીચે ભાજપ લખેલું છે અથવા તમામ પક્ષોના ચૂંટણી નિશાનની નીચે તે પક્ષનું નામ લખવામાં આવે.
જો કે ચૂંટણી સમિતિએ જણાવ્યું છે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું ચૂંટણી ચિહ્ન આવું જ હતું. બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ વિરુદ્ધ આચારસંહિતા ભંગ કરવાની ફરિયાદ કરવાનું વિચારી રહી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે બંને નેતાઓએ મતોનું ધુ્રવીકરણ, પ્રચારમાં સંરક્ષણ દળોનો ઉલ્લેખ કરીને તથા ચૂંટણીના દિવસે રેલીનું આયોજન કરીને આચારસંહિતનો ભંગ કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vptqxw
via Latest Gujarati News
0 Comments