હવાઈ મુસાફરી દરમિયાન એર ઈન્ડિયાના સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરનારી બ્રિટિશ મહિલા વકીલને સજા


(પીટીઆઈ) લંડન, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર

બ્રિટનમાં એર ઈન્ડિયાની હવાઈ મુસાફરી દરમિયાન ચાલક દળના સદસ્યો સાથે ગેરવર્તણૂક કરનારી આયરિશ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વિશેષજ્ઞા મહિલા વકીલને છ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.

મહિલાએ એર ઈન્ડિયાની મુંબઈથી લંડન વચ્ચેની ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન શરાબ ન આપવા પર ચાલક દળના સભ્યો સાથે ગેરવર્તણૂક આચરી હતી અને આ સમગ્ર ઘટના વિમાનના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ કેસની સુનાવણી દરમિયાન લંડનની કોર્ટે સિમોન બ્રન્સ નામની મહિલા વકીલને સજા ફટકારી હતી. સુનાવણીમાં સ્પષ્ટ થયું હતું કે મહિલા વકીલ પહેલેથી જ ખૂબ નશામાં હતી અને તેમ છતા પણ શરાબની માંગ કરી રહી હતી. શરાબ ન આપવા પર તેણે જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી અને ચાલક દળના એક સભ્યના ચહેરા પર થૂંકી હતી. 

કોર્ટે વિમાની મુસાફરી દરમિયાનની આ પ્રકારની વર્તણૂકને ભયંકર ગણાવી હતી અને તેને સુરક્ષા માટે પણ ખતરારુપ ગણાવી હતી. કોર્ટે ૫૦ વર્ષીય સિમોનને વિમાનમાં નશો કરવા બદલ છ મહિનાની જેલની સજા સંભળાવી હતી અને ચાલક દળ પર હુમલો કરવાના આરોપસર બે મહિનાની સજા સંભળાવી હતી. જો કે આ બંને સજા એક સાથે જ ગણવામાં આવશે. આ ઉપરાંત તે જે વ્યક્તિના મોઢા પર થૂંકી હતી તેને વળતર પેઠે ૩૦૦ પાઉન્ડ ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uxwmqe
via Latest Gujarati News

Post a Comment

0 Comments