
નવી દિલ્હી, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ દિવસમાં ત્રણ રાજ્યો પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચૂંટણી સભાઓને સંબોધી હતી. જે દરમિયાન મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને ફરી વિકાસના સ્પીડ બ્રેકર ગણાવ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે સ્પીડ બ્રેકર દીદી લોકસભાની ચૂંટણીના બે તબક્કા પુરા થયા બાદ હવે ઉંઘી નથી શકતા. અહીંના દિનાજપુર જિલ્લામાં એક રેલીને સંબોધતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે મમતા બેનરજી પોતાના ચૂંટણી પ્રચારમાં પાડોશી દેશ બાંગ્લાદેશના લોકોની મદદ લઇ રહ્યા છે જે યોગ્ય નથી.
મોદીએ દાવો કર્યો હતો કે ૨૩મી મેના પરીણામો બાદ અમે પાડોશી દેશોમાંથી થતી ઘુસણખોરીને રોકવા માટે પગલા લઇશું. સાથે જે શરણાર્થીઓ છે તેમને નાગરીક્તા આપવા માટે પણ એનડીએ સરકાર કટીબદ્ધ છે.
મોદીએ ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સપા અને બસપાની બનાવટી મિત્રતાનો ૨૩મી મેના રોજ અંત આવશે, તમે દરેક લોકો જાણો છો કો વિધાનસભાની ચૂંટણીમાં આ મિત્રતાનો કેવો અંત આવ્યો હતો. બુઆ બબુઆની બનાવટી મિત્રતાનો આ જ રીતે અંત આવશે.
મોદીએ બિહારમાં રેલીને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશે મત ભક્તિ અને દેશ ભક્તિ એમ બે પ્રકારની રાજનીતી જોઇ છે. મુંબઇ હુમલો થયો તે સમયે કોંગ્રેસ સરકારે આતંકીઓ વિરુદ્ધ કોઇ મહત્વપૂર્ણ કાર્યવાહી નહોતી કરી અને પાકિસ્તાન સામે પણ પગલા નહોતા લીધા જ્યારે ઉરી હુમલો થયો ત્યારે વર્તમાન સરકારે તાત્કાલીક પગલા લીધા અને પુલવામા હુમલા બાદ પણ એરસ્ટ્રાઇક કરાવી.
અનામત પર બોલતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે જુઠની રાજનીતી કરનારાઓ બિહારમાં જુઠ ફેલાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે સવર્ણોને જે ૧૦ ટકા અનામત આપવામાં આવી તેને બાદમાં સરકાર ખતમ કરી રહી છે. સાથે મોદીએ દાવો કર્યો હતો કે બાબા સાહેબ જે અનામત આપીને ગયા છે તેને કોઇ હાથ નહીં લગાવી શકે.
બાટલા હાઉસ બાદ શહીદોનું અપમાન નહોતુ થયું? : મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપમાં જોડાયેલા અને ભોપાલથી ચૂંટણી લડનારા સાધ્વી પ્રજ્ઞાા ઠાકુરનો બચાવ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે જ્યારે ૧૯૮૪માં ઇંદિરા ગાંધીનું મૃત્યુ થયું ત્યારે તેમના પુત્રએ કહ્યું હતું કે જ્યારે એક વૃક્ષ ધરાશાયી થાય છે ત્યારે ધરતી હલે છે. જે બાદ હજારો શીખોની હત્યા કરાઇ હતી, શું આ કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવેલો આતંક નહોતો? બાટલા હાઉસમાં અમારા વિરોઓ બોમ્બ ધમાકામાં સામેલ આતંકીઓને માર્યા જોકે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીથી ખુશ થવાને બદલે કોંગ્રેસના મોટા નેતાઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. શું તે શહીદોનું અપમાન નહોતુ?
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XvAJzT
via Latest Gujarati News
0 Comments