(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઇ, તા. 26 એપ્રિલ, 2019, શુક્રવાર
મુંબઇ ઝવેરીબજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ વધ્યા મથાળે નરમ હતા જ્યારે ચાંદીના ભાવ ઉંચા બોલાતા હતા. કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ઘટાડા પર રહ્યા તેની અસર સોનાના ભાવ પર આજે જોવા મળી હતી. ડોલરના ભાવ રૂા. ૭૦/૨૬ વાળા આજે ૭૦/૧૩ ખુલી રૂ. ૭૦/૨૨ થયા પછી નીચામાં ભાવ રૂા. ૬૯/૯૭ થઇ છેલ્લે બંધ ભાવ રૂા. ૭૦/૦૧ બંધ રહ્યા હતા.
ડોલરના ભાવ આજે ૨૫ પૈસા ઘટયા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ચાર પૈસા ઘટી રૂા. ૯૦/૪૨થી ૯૦/૪૩ તથા યુરોના ભાવ ૧૮ પૈસા ઘટી રૂા. ૭૭/૯૯થી ૭૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઊંચામાં ૧૨૮૩/૭૦ ડોલર તથા નીચામાં ૧૨૭૪/૬૦ ડોલર થઇ સાંજે ભાવ ૧૨૮૧/૩૦ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ છ મહિનાની ટોચ પરથી આજે અઢી ટકા તૂટી ગયાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચેથી નીચા ઉતરતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો ઉંચકાયો હતો એવું બજારના ખેલાડીઓએ જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઇ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯/૫૦ના રૂા. ૩૧૭૯૫ વાળા રૂા. ૩૧૮૧૮ થઇ રૂા. ૩૧૭૮૩ બંધ રહ્યા હતા જ્યારે ૯૯/૯૦ના ભાવ રૂા. ૩૧૯૨૩ વાળા રૂા. ૩૧૯૪૬ થઇ રૂા. ૩૧૯૧૧ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા હતાં.
દરમિયાન, મુંબઇ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂા. ૩૭૩૬૦ વાળા રૂા. ૩૭૫૩૦ થઇ રૂા. ૩૭૫૧૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂા. ૩૭૪૫૦થી ૩૭૫૦૦ તથા જીએસટી સાથેના ભાવ આભાવથી આશરે રૂા. ૧૧૫૦થી ૧૨૦૦ ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ આજે ઔંશના નીચામાં ૧૪/૯૩ ડોલર તથા ઉંચામાં ૧૫/૦૭ થઇ સાંજે ભાવ ૧૫/૦૬થી ૧૫/૦૭ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવ ઉંચા મથાળેથી નીચા આવતા વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડવાળા દાખલ થયા હતા. પ્લેટીનમના ભાવ આજે સાંજે વધી ૮૯૧/૧૦થી ૮૯૧/૨૦ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી સાંજે ૧૪૩૩/૪૦થી ૧૪૩૩/૫૦ ડોલર રહ્યા હતાં.
જો કે ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી આજે ઝડપી ગબડયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ જે ઉંચામાં બેરલના ૭૫ ડોલર ઉપર જતા રહ્યા હતા તે આજે ઝડપી સાંજે ૭૨/૮૦થી ૭૨/૮૫ ડોલર રહ્યા હતા. ન્યુયોર્કના ભાવ ઉંચેથી તૂટી સાંજે ૬૩/૯૦થી ૬૩/૯૫ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ મક્કમ હતા, ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ આજે સાંજે ૦/૭૦ ટકા ઉંચા બોલાઇ રહ્યા હતા.
લંડન બજારમાં કોપરના ભાવ આજે ટનના ત્રણ મહિનાની ડિલીવરીના ૬૩૯૫ ડોલર રહ્યા હતા. ત્યાં કોપરનો સ્ટોક આજે જો કે ૧૧૦૦ ટન વધ્યો હતો. જસતનો સ્ટોક ત્યાં ૩૬૦૦ ટન વધ્યો હતો. જ્યારે અન્ય ધાતુઓઔનો સ્ટોક ઘટાડા પર રહ્યાના સમાચાર હતાં.
દરમિયાન, વિશ્વ બજારમાં ચીન તતા અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ આગળ વધી રહી છે. આ બંને દેશોના પ્રતિનિધિઓની મિટિંગ ચીનમાં આવતા સપ્તાહમાં તથા અમેરિકામાં ત્યાર પછીના સપ્તાહમાં મળશે એવા સમાચાર હતા. આવા માહોલમાં હવે આ બંને દેશો વચ્ચે વેપાર કરાર મોટાભાગે મે મંહિનામાં થઇ જવાની આશા વિશ્વ બજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા.
દરમિયાન, ચીનની કરન્સી યુઆનને હવે પછી ડિવેલ્યુ કરવામાં નહિ આવે એવી ખાતરી ચીનના પ્રમુખે આપી હોવાના સમાચાર હતા. અમેરિકાના સમાચાર મુજબ ત્યાં જોબલેસ ક્લેઇમ્સ જે તાજેતરમાં નોંધપાત્ર ઘટી પચાસ વર્ષના તળીયે ઉતરી ગયા હતા તે બેરોજગારીના દાવાઓ હવે ફરી વધી બે લાખની સપાટી વટાવી ૨ લાખ ૩૦ હજાર આવતા ૧૯ મહિનાની આવી સૌથી મોટી વૃદ્ધી આવા દાવાઓમાં જોવા મળી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. આના પગલે ત્યાં જોબ માર્કેટ વિશે ફરી ચિંતા દેખાતાં વિશ્વ બજારમાં ડોલરના ભાવ ઉંચા મથાળેથી નીચા આવ્યાના વાવડ હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UXah5n
via Latest Gujarati News
0 Comments