ઊંચા વચગાળાના ડિવિડન્ડ ચૂકવવા સરકારના કથિત દબાણથી ઓઈલ કંપનીઓની નાણાં સ્થિતિ તાણ હેઠળ રહેવાની વકી

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2019, શુક્રવાર

શેરહોલ્ડરોનું વળતર વધારવા સરકાર તરફથી વધી રહેલા દબાણાને કારણે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી) જેવી સરકારી ઓઈલ માર્કેટિંગ  કંપનીઓની નાણાંકીય સ્થિતિ પર ટૂંકાથી મધ્યમ ગાળે જોખમ ઊભા થઈ શકે છે એમ ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું. હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સામે  તેલના ભાવ મુદ્દે  સરકારની દરમિયાનગીરીનું પણ જોખમ રહેલું છે. 

બજેટ ટાર્ગેટસને સિદ્ધ કરવા સંઘર્ષ કરતી સરકારે હાલમાં જ સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં નાણાંની છૂટ ધરાવતા જાહેર ક્ષેત્રના ઉપક્રમોને બીજું ઈન્ટેરિડ ડિવિડન્ડ જાહેર કરવા અને શેર બાયબેક લાવવા જણાવ્યું હતું. 

શેર બાયબેકમાં સરકાર પોતાની પાસેના શેરો કંપનીને પાછા આપી તેની પાસેથી નાણાં મેળવી શકે છે અને સાથોસાથ કંપની પર નિયંત્રણ પણ જળવાઈ રહે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આઈઓસી, બીપીસીએલ તથા ઓઈલ ઈન્ડિયાએ સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં શેર્સની ફેસ વેલ્યુના ૬૭.૫૦ ટકાથી ૧૧૦ ટકા જેટલા વચગાળાના ડિવિડન્ડસ ઉપરાંત શેર બાયબેકની કવાયત હાથ ધરી હતી, ફિચ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.

નબળી નાણાંકીય સ્થિતિ તથા અપાયેલા વચનો લોકસભાની ચૂંટણી પહેલા પૂરા કરવા આવશ્યક નાણાં મેળવવા માટે આ વધારો કરવા સરકાર દ્વારા દબાણ કરાયું હોવાની શકયતા છે. 

શેરધારકોને જેટલું ઊંચુ વળતર ચૂકવવામાં તેટલું જ વધુ દબાણ કંપનીની નાણાંકીય સ્થિતિ પર પડી શકે છે. ઓઈલ કંપનીઓએ આગામી બે વર્ષ માટે જંગી ઈન્વેસ્ટમેન્ટ યોજનાઓ ઘડી હોવાનું પણ ફિચે તેના રિપોર્ટમાં નોંધ્યું છે. 

એપ્રિલ ૨૦૨૦ સુધીમાં અલ્ટ્રા-ક્લીન યુરો-૬ ગ્રેડનું ફ્યુઅલ ઉત્પન્ન કરવા આઈઓસી તથા બીપીસીએલ પોતાની રિફાઈનરીઓનું અપગ્રેડિંગ અને વિસ્તરણ કરવાની પ્રક્રિયામાં છે. ઓઈલ ઈન્ડિયા તેના ઘરેલું ઉત્પાદન અને રિઝર્વ્સમાં વધારો કરવા યોજના ધરાવે છે.

 ચૂંટણીને કારણે તેલ કંપનીઓ સામે  ભાવ મુદ્દે  સરકારની દરમિયાનગીરીનું પણ જોખમ રહેલું હોવાનું નકારી શકાય એમ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં ક્રુડ તેેલના ભાવ પ્રતિ બેરલ ૭૫ ડોલરને પાર કરી ગયા છે, જે કેન્દ્રમાં રચાનારી નવી સરકાર માટે માથાનો દુખાવો બની શકે છે. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GFFbFg
via Latest Gujarati News

Post a Comment

0 Comments