
કોલંબોથી 40 કિમી દુર કચરામાં વિસ્ફોટ: કોઇ જાનહાની નહીં, તપાસના આદેશ
બે આત્મઘાતી હુમલાખોર આતંકીઓના કરોડપતિ વ્યાપારી પિતાની કોલંબોમાંથી ધરપકડ
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
શ્રીલંકાની સરકાર અને સૈન્યએ મળીને આતંકવાદીઓ સામે આક્રામક કાર્યવાહી શરૃ કરી દીધી છે. હાલ ચાલી રહેલા તપાસ અભિયાનમાં વધુ ૧૬ લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ૩૬૦ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૫૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. વધુ ૧૬ લોકોની ધરપકડ થતા જ અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલાની સંખ્યા વધીને ૭૬ પર પહોંચી ગઇ છે જેમાં સાત મુખ્ય હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે.
સ્થાનિક સત્તાધીશોએ આતંકીઓની શોધખોળ માટે મોટા પ્રમાણમાં સૈન્ય કાફલો ખડકી દીધો છે. આ સ્થિતિ વચ્ચે પણ અહીંના પુગોડામાં એક સામાન્ય વિસ્ફોટની ઘટના બની હતી. કોલંબોથી ૪૦ કિમી દુર આ વિસ્ફોટ થયો હતો.
અહીં ફેકવામાં આવેલા કચરામાં આ વિસ્ફોટ થયો હતો જોકે તેમાં કોઇ વ્યક્તિ ઘવાઇ નથી તેમ છતા આ મામલે અમે તપાસ જારી કરી દીધી છે તેમ પોલીસે જણાવ્યું હતું. જે લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે તેમાં કોલંબોમાં જે બે આત્મઘાતી વિસ્ફોટ થયા હતા તેમાં જે બે આતંકી યુવકો સામેલ હતા તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલો આ શખ્સ કોલંબોમાં મોટો વ્યાપારી છે અને તેના બન્ને પુત્રોએ પોતાને અહીંની એક રેસ્ટોરન્ટમાં પોતાને ઉડાવી દીધા હતા જેને પગલે મોટા પ્રમાણમાં જાનહાની થઇ હતી. મસાલાનો વ્યાપારી મોહમ્મદ યુસુફ ઇબ્રાહીમના બન્ને પુત્રો ઇલહામ એ ઇમસાત આ હુમલામાં સામેલ હતા. હાલ યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ જારી છે.
બીજી તરફ આટલા ભયાનક વિસ્ફોટને પગલે હવે શ્રીલંકાની સરકાર ભીસમાં આવી રહી છે. સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાથી હવે શ્રીલંકાના સંરક્ષણ પ્રધાન હેમસ્ત્રી ફર્નાન્ડોએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના રોજ જે હુમલા થયા તેમાં ત્રણ ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેને પગલે આગામી દિવસોમાં વધુ કેટલાક હુમલા ચર્ચમાં ન થાય તેને ધ્યાનમાં રાખીને હાલ ચર્ચમાં એકઠા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. હાલ પુરતા પ્રાર્થના માટે ચર્ચમાં એકઠા થવાની પ્રક્રિયાને સસ્પેન્ડ કરી દેવામા આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IHfuaT
via Latest Gujarati News
0 Comments