ન્યાયતંત્ર ખતરામાં, મને ખરીદી શકાતો નથી એટલે ખોટા આરોપો : ગોગોઇ


કોઇ તાકાત મુખ્ય ન્યાયાધીશની ઓફિસને નિષ્ક્રિય બનાવવા માગે છે, જજ માટે માત્ર તેની પ્રતિષ્ઠા જ બધું હોય છે, ૨૦ વર્ષની સેવામાં એક રૂપિયાનું ખોટું કર્યાનો પણ આરોપ નથી : ગોગોઇ

જુઠા આરોપો લગાવનારી મહિલાનો ઇતિહાસ ગુનાઇત, તેની સામે બે એફઆઇઆર 

નવી દિલ્હી, તા.20 એપ્રિલ, 2019, શનિવાર

દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પર સુપ્રીમ કોર્ટના જ પૂર્વ કર્મચારી દ્વારા લાગેલા આરોપોએ ભારે ચર્ચા જગાવી છે. આ સ્થિતિ વચ્ચે રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશની ઓફિસને નિષ્ક્રિય બનાવી દેવાનું એક મોટુ ષડયંત્ર રચાયું છે. અને તેની પાછળ બહુ જ મોટા લોકો કામ કરી રહ્યા છે.

 બીજી તરફ સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારીએ જે આરોપો લગાવ્યા તેને લઇને મીડિયામાં જે અહેવાલો સામે આવ્યા તે અંગે પણ રંજન ગોગોઇએ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે મીડિયાની સ્વતંત્રને ધ્યાનમાં રાખીને હું આ કેસમાં કેવી રીતે રિપોર્ટ કરવું તે મીડિયાની સ્વતંત્રતા પર છોડી રહ્યો છું. જોકે આ મહિલા હાલ જામીન પર છુટેલી છે અને તેના પર પણ છેતરપીંડી સહીતના આરોપો લાગેલા છે. 

સુપ્રીમ કોર્ટમાં ૩૦ મિનિટ સુધી સુનાવણી થઇ હતી જે દરમિયાન રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે ન્યાય પાલિકાની સ્વતંત્રતને મોટા પ્રમાણમાં ખતરો છે. કેટલાક લોકો ઇચ્છે છે કે મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય જ નિષ્ક્રિય કરી દેવામાં આવે, જે મહિલા મારા પર આરોપો લગાવી રહી છે તેનો ક્રિમિનલ રેકોર્ડ રહ્યો છે અને તેની સામે પણ બે એફઆઇઆર દાખલ થઇ ચુકી છે.

તેની સામે એફઆઇઆર પેન્ડિંગ હોય તેવી સ્થિતિમાં તે સુપ્રીમ કોર્ટની કર્મચારી કેવી રીતે બની શકે? અને મીડિયાએ પણ કોઇ પણ પ્રકારના વેરિફિકેશન વગર મહિલાની એફઆઇઆરની વીગતો ન પ્રકાશીત કરવી જોઇએ. આ આરોપો માત્ર અને માત્ર એટલા માટે જ લગાવવામાં આવી રહ્યા છે કેમ કે આગામી દિવસોમાં અતી સંવેદનશીલ કેસોની સુનાવણી થવા જઇ રહી છે. 

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે પૈસા કે કોઇ તાકાત મને ખરીદી શકે તેમ નથી તેથી આ નિમ્ન સ્તરના રસ્તા લોકો શોધી રહ્યા છે અને તેમણે મને બદનામ કરવા માટે આ છેડતીનો રસ્તો શોધી કાઢ્યો છે. મે ૨૦ વર્ષ ન્યાય પાલિકાની સેવામાં આપ્યા તેવા સમયે મારા પર આવા નિમ્ન સ્તરના જુઠા આરોપો લગાવવામાં આવ્યા છે કેમ કે આગામી દિવસોમાં હું એવા કેસોની સુનાવણી કરવા જઇ રહ્યો છું કે જે અતી સંવેદનશીલ છે. મહિલાએ સુપ્રીમ કોર્ટના અનેક ન્યાયાધીશોને પત્ર લખીને મુખ્ય ન્યાયાધીશ પર આરોપો લગાવ્યા હતા, આ આરોપોનો જોકે કોઇ જ આધાર ન હોવાનો દાવો સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ સંજીવ સુધાકરે કર્યો હતો. 

લાંચની આરોપી મહિલાના જામીન રદ કરવાની માગ કરતી અરજીની 24મીએ સુનાવણી 

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પર આરોપો લગાવનારી મહિલા પર પણ છેતરપીંડી, ગુનાહિત કાવતરા સહીતની ફરિયાદો છે, જેને પગલે આ મહિલાને જામીન પર છુટેલી છે. જોકે પોલીસે ૧૨મી માર્ચે મહિલાને આપેલા જામીનનો વિરોધ કર્યો હતો. પોલીસે કરેલા વિરોધની સુનાવણી હવે આગામી ૨૪મી એપ્રીલે થવાની છે. મહિલા વિરુદ્ધ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં હરિયાણાના નવીનકુમારે ફરિયાદ કરી હતી. મહિલાની સામે છેતરપીંડી, ગુનાહિત કાવતરા સહીતની ફરિયાદો છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મારી પાસે ૫૦ હજાર રૂપિયાની લાંચ લઇને મને સુપ્રીમ કોર્ટમાં નોકરી અપાવવાનું કહ્યું હતું. અને આ મહિલાએ દાવો કર્યો હતો કે મારી સાથે એક જજની ઓળખાણ છે. 

પોતાના પર આરોપોના કેસની સુનાવણી જજ પોતે કરી શકે?

પોતાના પર આરોપોના કેસની સુનાવણી જજ પોતે કરી શકે ? આ સવાલ અગાઉ પણ ચર્ચામાં હતો અને હવે ફરી ચર્ચામાં છે. હાલ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પર જે આરોપો લાગ્યા છે તેના કેસની સુનાવણીમાં તેઓ પોતે પણ સામેલ થઇ શકે કે કેમ તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક વકીલો અને કાયદા અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આમા કઇ ખોટુ નથી અને રંજન ગોગોઇએ પોતે ચુકાદાથી પોતાને દુર કરી લીધા છે અને પારદર્શીતાને જાળવી રાખી છે જ્યારે એક અધિકારીએ જણાવ્યું હતું કે જો રંજન ગોગોઇએ પોતાને આ કેસની સુનાવણી કરી રહેલી બેંચથી અલગ કરી લીધા હોત તો સારુ થાત.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gof3yN
via Latest Gujarati News

Post a Comment

0 Comments