
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે ગુર્જર આંદોલન મામલે ગેહલોત સરકારને રાહત આપી છે. ગુર્જર સહિત કુલ પાંચ સમૂદાયના લોકોને શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં અનામતના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જેને નામંજૂર કરવામાં આવી છે.
રાજસ્થાન સરકારે ફેબુ્રઆરી મહિનામાં રાજસ્થાન પછાત વર્ગ સંશોધન અધિનિયમ-૨૦૧૯ અંતર્ગત ગુર્જર સહિતના પાંચ સમૂદાયોને શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં અનામત આપતું બિલ પસાર કર્યું હતું.
રાજ્ય સરકારના ગુર્જર ઉપરાંત ગાડિયા લુહાર, બંજારા, ગાડરિયા અને રાઈકા સમૂદાયના લોકોને અતિ પછાત વર્ગના પાંચ ટકા વિશેષ અનામત આપવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને સુપ્રીમે નામંજૂર કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી છે.
અરજીમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી પરંતુ આરક્ષણ પર રોક લગાવવા ઈનકાર કર્યો હતો.
અરજીકર્તાએ જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગુર્જર સહિતની અન્ય જાતિઓને પાંચ ટકા અનામત આપવા માટે રાજ્યની દુર્ગમ પરિસ્થિતિઓનો હવાલો આપ્યો હતો પરંતુ રાજ્યમાં ખાસ કોઈ વિષમ પરિસ્થિતિ નહોતી. ગુર્જરો આંદોલન કરી રહ્યા હતા અને રાજ્ય સરકારે મજબૂરીવશ તેમને અનામત આપી હતી.
અરજીકર્તાની દલિલ મુજબ સુપ્રીમ કોર્ટે ૫૦ ટકાની સીલિંગથી વધારેની અનામત આપવા પર રોક લગાવેલી હતી. તે સંજોગોમાં માત્ર એક ટકા અનામત જ આપી શકાય અને તે આપવામાં આવી રહી હતી. પરંતુ રાજ્ય સરકારે રાજસ્થાન પછાત વર્ગ અધિનિયમ-૨૦૧૯માં ગુર્જર સહિતની પાંચ જાતિઓને તેમની જનસંખ્યાના ગુણોત્તરનો હવાલો આપીને પાંચ ટકા અનામત આપી હતી. બંધારણ મુજબ જનગણનાના આધારે અનામત ન આપી શકાય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K7TQxZ
via Latest Gujarati News
0 Comments