મુંબઈ, તા. 12 એપ્રિલ, 2019, શુક્રવાર
નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી) સમક્ષ રજુ કરાયેલી એફિડેવિટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ (આઈએલએન્ડએફએસ) દ્વારા જણાવાયું છે કે, પ્રોવિડન્ટ ફન્ડસ અને પેન્શન ફન્ડસ આઈએલએન્ડએફએસ તથા તેની જુથ કંપનીઓમાં રૂપિયા ૯૧૩૪ કરોડનું રોકાણ ધરાવે છે.
આ રોકાણમાંથી રૂપિયા ૬૭૬૦ કરોડ પ્રોવિડન્ટ ફન્ડસના અને રૂપિયા ૨૩૭૪ કરોડ પેન્શન ફન્ડસના છે. જુથની કંપનીઓમાં હોલ્ડિંગ કંપની આઈએલએન્ડએફએસ, આઈએલએન્ડએફએસ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ તથા આઈએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કે આ બન્ને ફન્ડોને અનુક્રમે રૂપિયા ૪૨૭૮ કરોડ, રૂપિયા ૨૯૪૦ કરોડ તથા રૂપિયા ૧૯૧૬ કરોડ ચૂકવવાના રહે છે.
આઈએલએન્ડએફએસના પ્રોજેકટ માટેના સ્પેશ્યલ પરપઝ વ્હીકલ્સ (એસપીવી)માં આ સંપૂર્ણ રકમ રોકવામાં આવી હોવાનું એફિડેવિટમાં જણાવાયું છે.
૨૯ માર્ચના એક ઓર્ડર મારફત એનસીએલએટી દ્વારા આવા ચાર એસપીવીની એસેટસ તથા લાયાબિલિટીઝની માહિતી માગી હતી. એપેલેટ ટ્રીબ્યુનલે આઈએલએન્ડએફએસ જુથને નાણાં ધિરનાર કંપનીઓ પાસેથી પણ ફન્ડસની ચોક્કસ માહિતીઓ માગી હતી.
ડિસેમ્બર ૨૦૧૮ના અંતે આઈએલએન્ડએફએસ જુથ માથે રૂપિયા ૯૪૨૧૬ કરોડનું દેવું હતું જેમાંથી સરકારી બેન્કોનું એકસપોઝર રૂપિયા ૩૫૩૮૨ કરોડ જેટલું રહ્યું હતું. આઈએએલએન્ડએફએસ જુથ ડિફોલ્ટ જતા સૌથી વધુ અસર બેન્કોને થઈ છે. આ ઉપરાંત ડિબેન્ચરધારકોના પણ રૂપિયા ૨૫૭૬૭ કરોડ અટવાયા છે. એસેટ-લાયાબિલિટી મિસમેચને કારણે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિકથી આઈએલએન્ડએફએસ જુથ લોનની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યું હતું. આ ડિફોલ્ટને કારણે બજારમાં લિક્વિડિટીની ખેંચ ઊભી થઈ હતી અને એનબીએફસી પર તેની ગંભીર અસર પડી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VFz9uT
via Latest Gujarati News
0 Comments