મુંબઈ, તા. 18 મે, 2019, શુક્રવાર
બેન્કો તથા નાણાંકીય ક્ષેત્ર સિવાયની આવકની દ્રષ્ટિએ ટોચની ૧૦૦૦ લિસ્ટેડ ભારતીય કંપનીઓમાંથી ૨૫ ટકા કંપનીઓના શેરધારકોની સંપતિમાં છેલ્લા પાંચ વર્ષમાં ધોવાણ થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીઓની માર્કેટ કેપ અડધાથી વધુ ઘટી ગઈ છે એટલું જ નહીં તે ભારે દેવાબોજ ધરાવે છે. જેને કારણે તેની નાણાંકીય અને કામકાજની દ્રષ્ટિએ ટકી રહેવાની ક્ષમતા સામે પ્રશ્ન ઊભો થયો છે.
૯૬૪ કંપનીઓના સેમ્પલમાંથી ૨૨૫ જેટલી કંપનીઓ નાણાંકીય તાણ હેઠળ હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. આમાંથી ૧૪૪ કંપનીઓ જે નાણાં વર્ષ ૨૦૧૪માં કુલ કોર્પોરેટ બોરોઈંગના વીસ ટકા ધરાવતી હતી તે કંપનીઓની નાણાં વર્ષ ૨૦૧૪થી તેમની માર્કેટ કેપમાં ૭૫ ટકા કે તેનાથી વધુ ઘટાડો થયો છે.
તાજેતરના વર્ષોમાં નફાશક્તિમાં ઘટાડાને કારણે આમાંની મોટાભાગની કંપનીઓ પોતાના દેવાની ભરપાઈ કરી શકતી નથી. એકંદરે જોવા જઈએ તો, નાણાં વર્ષ ૨૦૧૯ના પ્રથમ નવ મહિનામાં આ તાણ હેઠળની કંપનીઓમાંથી ૨૧૭ કંપનીઓની દેવા પરની વ્યાજની ચૂકવણીની રકમ તેમના કાર્યકારી નફા કરતા વધુ રહી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. આને કારણે આ કંપનીઓ ઈન્સોલવેન્સીની આરે આવીને ઊભી છે.
આ કંપનીઓ નાણાં વર્ષ ૨૦૧૪માં લિસ્ટેડ કંપનીઓના કુલ બોરોઈંગ્સના ૨૯ ટકા હિસ્સો ધરાવતી હતી અને કોર્પોરેટ એસેટસના ૨૨.૪૦ ટકા હતી. નાણાં વર્ષ ૨૦૧૩-૧૪માં આવકની દ્રષ્ટિએ ટોચની ૧૦૦૦ લિસ્ટેડ નોન-ફાઈનાન્સિઅલ કંપનીમાંથી ૯૬૪ કંપનીઓની એનાલિસિસ કરીને આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
આમાંની અનેક કંપનીઓએ પોતાની કામગીરી બંધ કરી દીધી છે અને તેમણે તેમના નાણાંકીય આંકડા જાહેર કર્યા નથી. આવી જ સ્થિતિ નાણાંકીય રિપોર્ટ રજુ કરતી કંપનીઓમાં પણ જોવા મળે છે.
નાણાંકીય રિપોર્ટ જાહેર કરતી લિસ્ટેડ કંપનીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫ ટકા જેટલો ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે નાણાંકીય વર્ષ ૨૦૧૪માં ૩૪૦૮ કંપનીઓએ પોતાની વાર્ષિક બેલેન્સ શીટસ જાહેર કરી હતી જે સંખ્યા નાણાં વર્ષ ૨૦૧૮માં ઘટીને ૨૮૭૫ પર આવી ગઈ હતી.
અન્ય એક સરખામણીમાં નાણાં વર્ષ ૨૦૦૯માં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા ૨૭૬૪ હતી તે નાણાં વર્ષ ૨૦૧૪માં વધીને ૩૪૦૮ રહી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં કોર્પોરેટ અર્નિંગ ગ્રોથ ભારતના જીડીપીમાં થયેલી વૃદ્ધિ કરતા અડધો રહ્યો છે જે કોર્પોરેટ ક્ષેત્રમાં ગંભીર નાણાં સ્થિતિ ઊભી કરી રહ્યું છે, એમ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LS60fA
via Latest Gujarati News
0 Comments