સુપ્રીમે કાર્તિ ચિદમ્બરમને 10 કરોડની સિક્યુરિટી જમા કરાવવાની શરતે વિદેશ જવાની મંજૂરી આપી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને ૧૦ કરોડ રૃપિયાની સિક્યુરિટી જમા કરાવવાની શરતે મે અને જૂન મહિનામાં વિદેશમાં મુસાફરી કરવાની મંજૂરી આપી દીધી છે.

આઇએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ કેસમાં તપાસનો સામનો કરી રહેલા કાર્તિએ ટોટુસ ટેનિસ લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ માટે અમેરિકા, જર્મની અને સ્પેન જવાની મંજૂરી મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 

સીબીઆઇ અને ઇડી વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ ન કરતા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે કાર્તિની અરજીને મંજૂરી આપી હતી. 

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ ઉપરાંત ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કાર્તિને વિદેશમાં પ્રવાસની મંજૂરી આપવાની અગાઉ શરતો યથાવત રાખવામાં આવી છે અને તેમને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલને દસ કરોડ રૃપિયા સિક્યોરિટી રૃપે જમા કરાવવા પડશે. 

કાર્તિ ચિદમ્બરમ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કે વી વિશ્વનાથને જણાવ્યું હતું કે અગાઉ જમા કરાયેલા ૧૦ કરોડ રૃપિયા હજુ પણ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં પડયા છે. તેના જવાબમાં ખંડપીઠે જણાવ્યું હતું કે અમને એવુ લાગતું નથી.

ફરીથી દસ કરોડ રૃપિયા જમા કરાવવામાં તમને કોઇ તકલીફ છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે ૩૦ જાન્યુઆરીના રોજ દસ કરોડ રૃપિયા જમા કરાવવાની શરતે કાર્તિને વિદેશ જવાની મંજૂરી આપી હતી. કાર્તિ ચિદમ્બરમને વિદેશમાં કોઇ બેંક એકાઉન્ટ ન ખોલવાના નિર્દેશ આપવામાં આવ્યા હતાં. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LpdQgi
via Latest Gujarati News

Post a Comment

0 Comments