મુંબઈ, તા. 20 મે, 2019, સોમવાર
લોકસભાની ચૂંટણીના રવિવારે આવેલા એકઝિટ પોલ પ્રમાણે જ જો પરિણામો આવશે તો, એનએસઈ નિફટી ૧૨૦૦૦ની સપાટી કુદાવી શકે છે જે નિફટી૫૦ માટે નવી ઊંચી સપાટી હશે એટલું જ નહીં ૨૩ તારીખે જાહેર થનારા પરિણામો સુધી બજારમાં ભારે વોલેટિલિટી પણ જોવા મળશે.
જાહેર થયેલા એકઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને ૨૬૭થી ૩૬૫ વચ્ચે બેઠકો મળવાનું અનુમાન કરાયું છે. મોટાભાગના એકઝિટ પોલ્સમાં એનડીએ સરકાર રચાશે તેવા સ્પષ્ટ સંકેત અપાયા છે.
જો નિફટી ૧૧૮૫૬ની અગાઉની સપાટી કુદાવશે તો, ૨૩ મે પહેલા જ તેમાં ૧૨૦૦૦ની સપાટી જોવા મળે તો નવાઈ નહીં એમ એક બ્રોકરેજ હાઉસના રિસર્ચ વિભાગના વડાએ જણાવ્યું હતું.
નિફટીને ૧૨૦૦૦ની સપાટી કુદાવવા માટે ભાજપને સ્પષ્ટ બહુમતિ મળે તે પણ એટલું જ જરૂરી છે. એનડીએની સરકારની રચનાના કિસ્સામાં મિડ-કેપ્સ તથા સ્મોલ કેપ્સ જે છેલ્લા દોઢ વર્ષમાં ભારે પટકાયેલા છે તેમાં નોંધપાત્ર સુધારા જોવા મળવાની સંભાવના રહેલી છે.
સોમવારે શેરબજારમાં જોવા મળેલા ઉછાળામાં સ્થિર સરકારનો આશાવાદ જોવા મળી રહ્યો છે. કેન્દ્રમાં એનડીએની સરકારની રચના થશે તો રાજકોષિય શિસ્તતાની ચિંતામાં ઘટાડો થશે કારણ કે એનડીએ તેની પોલિસીઓ જાળવી રાખશે, એમ અન્ય એક બ્રોકરેજ હાઉસના એમડીએ જણાવ્યું હતું.
સોમવારે શેરબજાર જે રીતે વધી ગયું છે તેને જોતા ૨૩મી મેના પરિણામ એકઝિટ પોલ જેવા જ રહેશે તો બજારમાં ખાસ વધારો જોવા નહીં મળે કારણ કે બજારે તેનો પ્રતિસાદ આપી દીધો છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
હાલમાં શેરબજારમાં વેલ્યુએશન નીચા નથી પરંતુ પસંદગીના શેરોમાં વ્યાપક તકો રહેલી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સોમવારે જ નિફટી૫૦ ૪૨૧ પોઈન્ટ વધીને ૧૧૮૨૮ની સપાટી બંધ રહ્યો હતો, જે તેની ઓલટાઈમ હાઈ સપાટીની નજીક છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jv7tGI
via Latest Gujarati News
0 Comments