મુંબઈ, તા. 20 મે, 2019, સોમવાર
રવિવારે જાહેર થયેલા એકઝિટ પોલમાં દેશમાં ભાજપની આગેવાની હેઠળ સ્થિર સરકારની રચનાના સંકેત મળતા દરેક મુખ્ય કરન્સીઓ સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો. ડોલર સામે રૂપિયાની મજબૂતાઈને કારણે સ્થાનિક સોનાચાંદી બજારમાં કિંમતી ધાતુના ભાવ દબાયા હતા. ડોલર નબળો પડતા સોનાચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચે આવી છે. જ્યારે બીજી બાજુ વિદેશમાં નીચા ભાવે લેવાલી નીકળતા સોનાચાંદીમાં મંદી અટકી હતી. ક્રુડ તેલના ઉત્પાદન કાપને જાળવી રાખવાની ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા સંકેત અપાતા ક્રુડ તેલના ભાવને ટેકો મળ્યો હતો. બીજી બાજુ મધ્ય પૂર્વમાં તંગદિલી જળવાઈ રહી હતી.
સ્થાનિક સોનાચાંદી બજારમાં ૯૯.૫૦ ગોલ્ડનો ભાવ જે શુક્રવારે ૧૦ ગ્રામના જીએસટી વગરના રૂપિયા ૩૧૮૨૫ બંધ રહ્યા હતા તે સોમવારે રૂપિયા ૩૧૪૮૯ થઈ રૂપિયા ૩૧૫૭૧ બંધ રહ્યા હતા જ્યારે ગોલ્ડ ૯૯.૯૦ રૂપિયા ૩૧૯૭૫ બંધવાળો રૂપિયા ૩૧૬૧૬ રહી રૂપિયા ૩૧૬૯૮ બંધ રહ્યો હતો. ચાંદીના ભાવ શુક્રવારે જીએસટી વગર કિલોના રૂપિયા ૩૬૨૨૫ બંધવાળા આજે રૂપિયા ૩૫૯૪૦ થઈ રૂપિયા ૩૬૦૭૫ બંધ રહ્યો હતો. એક તબક્કે ચાંદી ૩૬૦૦૦ની સપાટીની અંદર ચાલી ગઈ હતી.
વિદેશમાં ગોલ્ડ જે ગયા સપ્તાહે ઔંસ દીઠ જે ૧૨૭૬.૫૦ બંધ રહ્યું હતું તે સોમવારે ફન્ડવાળાના ટેકાને કારણે ૧૨૭૮થી ૧૨૭૯ ડોલર બોલાતું હતું. બીજી બાજુ ચાંદી ઔંસ દીઠ ૧૪.૩૯ બંધવાળી ૧૪.૪૬થી ૧૪.૪૫ જોવા મળી હતી. કરન્સીમાં શુક્રવારે ડોલર જે ૭૦.૨૩ રૂપિયા બંધ હતો તે સોમવારે ઘટીને ૬૯.૩૫ રૂપિયા થઈ છેવટે ૪૯ પૈસા તૂટીને રૂપિયા ૬૯.૭૪ બંધ રહ્યો હતો.
દેશમાં સ્થિર સરકાર પ્રસ્થાપિત થવાના સંકેતે અન્ય કરન્સીઓ પાઉન્ડ તથા યુરો પણ રૂપિયા સામે નબળા પડયા હતા. પાઉન્ડ ઘટીને ૮૯ રૂપિયાની અંદર જઈ ૮૮.૮૭ રૂપિયા બોલાતો હતો જ્યારે યુરો ૭૮ રૂપિયાની અંદર ઉતરી મોડી સાંજે ૭૭.૮૧ રૂપિયા બોલાતો હતો. ક્રુડ તેલમાં બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૭૨.૨૧ બેરલવાળું સુધરીને ૭૨.૫૮ ડોલર રહ્યું હતું જ્યારે ન્યુયોર્ક જે બેરલ દીઠ ૬૨.૭૬ ડોલર બંધ રહ્યું હતું તે મોડી સાંજે ૬૩ ડોલર બોલાતું હોવાના અહેવાલ હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JQNKk1
via Latest Gujarati News
0 Comments