
શિમલા, તા.19 મે, 2019, રવિવાર
વિશ્વમાં સૌથી ઊંચાઇ પર આવેલા મતદાન કેન્દ્ર હિમાચલ પ્રદેશના તાશીગંગ મતદાન કેન્દ્ર પર વિક્રમજનક ૧૪૩ ટકા મતદાન નોંધાયું છે. તકનિકી રીતે તથ્ય ન લાગતી આ બાબત એકદમ સાચી છે. વિશ્વનું સૌથી વધુ ઊંચાઇ પર આવેલું મતદાન કેન્દ્ર હોવાથી અહીં નિયુક્ત ચૂંટણી સ્ટાફ અને આસપાસના ચૂંટણી સ્ટાફની અહીંથી મતદાન કરવાની ઇચ્છા હતી. જેના કારણે અહીં મતદાનની ટકાવારીમાં આટલો આશ્ચર્યજનક ઉછાળો નોંધાયો છે.
તેશનીંગ ગામમાં નોંધાયેલા મતદારોની સંખ્યા ૪૯ છે પરંતુ તેની સામે ૭૦ વ્યક્તિઓએ અહીં મતદાન કર્યુ છે. ૪૯ નોંધાયેલા મતદારો પૈકી ૩૬ ગ્રામજનોએ આજે મતદાન કર્યુ હતું. જેમાં ૨૧ પુરૂષ અને ૧૫ મહિલાઓ હતી.
ગ્રામજનોનું મતદાન પૂર્ણ થયા બાદ અીં ૭૪ ટકા મતદાન નોંધાયુ હતું. ત્યારબાદ અહીં ચૂંટણી અધિકારીઓ મતદાન કરવા આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ઇલેક્શન ડયુટી સર્ટિફિકેટને તપાસી તેમને મતદાનની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં ૩૬ ચૂંટણી અધિકારીઓએ અહીંથી મતદાન કર્યુ છે.
અહીં સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું ત્યારે તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયશથી પણ નીચે હતું. તાશીગંગ મતદાન કેન્દ્ર મંડી લોકસભા વિસ્તારનો હિસ્સો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખ રામના પૌત્ર આશ્રય શર્મા આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે અને રામસ્વરૂપ શર્મા ભાજપના ઉમેદવાર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WVQEb0
via Latest Gujarati News
0 Comments