પંજાબમાં સત્તાનો સંઘર્ષ : સિદ્ધુ મુખ્યમંત્રી પદ છીનવવા માંગતા હોવાનો અમરિંદરનો દાવો


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.19 મે, 2019, રવિવાર

એક તરફ પંજાબની ૧૩ લોકસભા બેઠકો માટે ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું તેવામાં બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેની ખટરાગ ખુલીને લોકો સામે આવી ગઈ હતી. 

વારંવાર સિદ્ધુ દ્વારા કરવામાં આવતા મૌખિક પ્રહારોનો જવાબ આપતા અમરિંદર સિંહે જણાવ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે અને મારું સ્થાન લેવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે અમૃતસર લોકસભા બેઠકને લઈને સિદ્ધુ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. સિદ્ધુ પોતાની પત્ની નવજોત કોર સિદ્ધુને તે બેઠકની ટિકિટ મળે તેવી ઈચ્છા ધરાવતા હતા પરંતુ તેમ નહોતું બન્યું. સિદ્ધુના નિવેદનો મુદ્દે વળતો પ્રહાર કરતા કેપ્ટને કહ્યું કે, મારા અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે કોઈ મૌખિક જંગ નથી ચાલી રહ્યો.

તેમની પોતાની મહેચ્છાઓ છે. દરેક વ્યક્તિની પોતાની મહેચ્છાઓ હોય છે. પંજાબના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેઓ સિદ્ધુને બાળપણથી ઓળખે છે. તેમના અને સિદ્ધુ વચ્ચે કોઈ યુદ્ધ નથી ચાલી રહ્યું પરંતુ સિદ્ધુ પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે અને તેમનું સ્થાન લેવા માંગે છે. પંજાબમાં મતદાન પહેલા જ નવજોત કોર સિદ્ધુએ મુખ્યમંત્રી અને પ્રદેશ નેતૃત્વ વિરુદ્ધ મોરચો માંડયો હતો. 

નવજોત કોરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશાકુમારી પર અમૃતસરની લોકસભા ટિકિટ ન આપવાનો આરોપ લગાવી વિવાદ સર્જ્યો હતો. 

નવજોત કોરના વિવાદ મુદ્દે નવજોત સિંહ સિદ્ધુને સવાલ કરવામાં આવતા તેમણે પોતાની પત્ની કદી પણ ખોટું ન બોલે તેવો જવાબ આપ્યો હતો. અમૃતસરની ટિકિટ ન મળતા નવજોત કોરે ચંદીગઢ બેઠકની ટિકિટ માંગી હતી પરંતુ તેમની બંને માંગનો અસ્વીકાર થયો હતો. આ મુદ્દે તેમણે કેપ્ટન સાહેબને લાગે છે કે મિસિઝ સિદ્ધુ ચૂંટણી નહીં જીતી શકે તેવો પ્રહાર કર્યો હતો. અમૃતસર લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ તરફથી ગુરજીત ઔજલા અને ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મેદાનમાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EuYmSj
via Latest Gujarati News

Post a Comment

0 Comments