
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 19 મે 2019, રવિવાર (પ્રતિકાત્મક તસવીર)
મુંબઈમાં અસહ્ય ગરમી છે અને મુંબઈગરા અત્યારે ૧૦ ટકા પાણી કાપ સહન કરી રહ્યો છે. પણ આડકતરી રીતે કાપનું પ્રમાણ વધારે છે. અસહ્ય ગરમીના લીધે શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોની પાણીની સપાટી ઝડપથી ઘટી રહી છે. પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયમાં અત્યારે ૧૪ ટકા પાણીનો જથ્થો જમા છે.
ચોમાસાના આડે લગભગ ૨૫ દિવસ બાકી છે. અત્યારે તો પાણીનો જથ્થો જોતાં જૂન મહિનાના અંત સુધી પાણી પુરવઠો પૂરો પાડી શકાશે. આથી મુંબઈગરાને પાણીનો વેડફાટ કર્યા વગર પાણીને સાચવીને વાપરવું એવી અપીલ મુંબઈ મહાનગરપાલિકા કરી રહી છે.
જોકે અત્યારે ભાતસા અને અપર વૈતરણા જળાશયના રિઝર્વ કવોટામાંથી પાણી ઉપાડવાની પરવાનગી સરકારે પાલિકાને આપી હોવાથી અત્યારે ૧૦ ટકા પાણીકાપ પ્રમાણે પાલિકા મુંબઈગરાને પાણી આપી રહી છે. નહિં મુંબઈમાં પાણીકાપમાં વધારો થાત. જોકે શહેરના અનેક વિસ્તારોમાં પાણીકાપ ૨૦ ટકા સુધી હોવાનું લોકો કહી રહ્યા છે. પાણીની ટેન્કરો પર આધાર રાખવો પડે છે.
હાલમાં જળાશયોમા ંકુલ મળીને ૧ લાખ ૮૦ હજાર મિલિયન લીટર પાણીનો જથ્થો જમા છે. એટલે કે ૧૪ ટકા જેટલું પાણી છે. જ્યારે ગત વર્ષે આ દિવસો દરમિયાન ૪ લાખ ૨૭ હજાર ૭૭૭ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા હતો. એટલે કે ૩૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.
પાણી પુરવઠા વિભાગ કહે છે કે ૧૦ ટકા કાપ મુજબ દરરોજ ૩૫૧૫ મિલિયન લીટર પાણીનો જથ્થો પુરો પડાય છે. આમાંથી ૬૦૦થી ૭૦૦ મિલિયન લીટર પાણી ચોરી અને ગળતરમાં વેડફાય છે. સરકારે ભાતસા અને અપર વૈતરણાના રિઝર્વ કવોટામાંથી પાણી ઉપાડવાની પરવાનગી આપી હોવાથી ૩૧ જુલાઈ સુધી પાણીનુ ંવિતરણ કરવામાં અડચણ નહિં આવે. આ દરમિયાન વરસાદ પણ શરૂ થઈ જશે એમ અધિકારીએ જણાવ્યું હતું.
દુકાળની પરિસ્થિતિ દિવસે વધુ વકરી
રાજ્યના ૨૬ ડેમમાં પાણીની સપાટી શૂન્ય પર
જળસિંચાઈ વિભાગે સત્તાવાર આંકડા જાહેર કર્યા હતા
રાજ્યમાં પાણીની અછત દિવસે દિવસે ભીષણ વધતી જવાની વાસ્તવિકતા સરકારે જાહેર કરી હતી. તેના આંકડા સામે આવ્યા છે. રાજ્યના ૨૬ ડેમમાં પાણીની સપાટી શૂન્ય પર (ઝીરો સ્ટોરેજ) પહોંચી છે. હવામાન ખાતા અને સ્કાય મેટે ચોમાસુ વિલંબમાં રહેશે એવો અંદાજ વ્યક્ત કર્યો છે. એટલે જો જૂન મહિનામાં પૂરતો વરસાદ વરસ્યો નહિં તો પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનશે.
રાજ્યના જળસિંચાઈ વિભાગે અધિકૃત વેબસાઈટ પર રાજ્યનાં પાણીની ઉપલબ્ધ બાબતે આ માહિતી જાહેર કરી છે. તે અનુસાર ઔરંગાબાદ, બીડ, હિંગોલી, પરભણી અને ઉસ્માનાબાદ જિલ્લામાં સમાવેશ થાય છે.
ઔરંગાબાદ વિભાગનાં ડેમમાં પાણીની સપાટી ૧૮ મેના રોજ ૦.૪૩ પર પહોંચ્યું છે. ગત વર્ષના આ સમયમાં ડેમના પાણીની સપાટી ૨૩.૪૪ ટકા હતી.
આ વિભાગના પૈઠણ, માંજારા, માંજલગાંવ, પેલદરી, સિધ્ધેશ્વર, લોઅર તેરણા, સીના કોલેગાવ અને લોઅર દૂધના ડેમ છે. તેમા પાણીની સપાટી શૂન્ય પર છે. ગત વર્ષે મે મહિનામાં પૈઠણ ડેમમાં ૩૪.૯૫ ટકા, માંજરામાં ૨૧.૨૪ ટકા, માજલગાંવમાં ૧૭.૫ ટકા અને લોઅર તેરણામાં ૫૨.૦૩ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.
બુલઢાણા જિલ્લામાં કડક પૂર્ણા અને પેન્ટાકલી, નાગપૂર વિભાગમાં ગોસીખુર્દ, દિના અને નાંદ, જળગાંવ જિલ્લામાં અપર તાપી હથનૂર, નાશિક વિભાગમાં વાકી, ભામ, ભાવલી, અને પુનેગાંવ, પુણે જિલ્લામાં દિભે, ઘોડ, પિંપળગાંવ, વડજ અને ટેમઘર, તર સોલાપૂરના કુંડલી અને લોણાવલા ડેમમાં પાણીની સપાટી તળિયે ગઈ છે.
દરમિયાન નાશિકના તિસગાંવ અને નાગપૂરમાં તોતલાડોહ ડેમમાં પાણીની સપાટી અનુક્રમે ૦.૦૧ અને ૦.૦૮ જેટલી નીચે ગઈ છે.
રાજ્યના મોટા, મધ્યમ અને નાના જળાશયોમાં પાણીની સપાટી સરેરાશ ૧૧.૮૪ ટકા હતું. ગયા વર્ષે ટકાવારી ૨૩.૭૩ ટકા હતું. રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ પર વિપક્ષોએ સત્તાધારીઓને આડા હાથ લીધા હતા. સરકારના જળસિંચાઈ વિભાગે જાહેર કરેલા આ આકડાવારીને લીધે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અડચણ વધી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HswUq5
via Latest Gujarati News
0 Comments