
(પીટીઆઈ) સિલિગુડી, તા.12 મે, 2019, રવિવાર
ઉત્તરી સિક્કિમના ૧૫,૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલા વિસ્તારોમાં ભૂખમરાને કારણે ૩૦૦થી પણ વધારે પાલતુ યાક પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. લાચેન ક્ષેત્રમાં પશુપાલકો અને ખેડૂતોના અંદાજે ૨૫ પરિવારોના યાકને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ભારત-ચીન સરહદ પાસે ઉત્તર સિક્કિમના મુકુથાંગ અને યુમથાંગ વિસ્તારોમાં ચરવા માટે મોકલવામાં આવ્યા હતા.
સ્થાનિક વહીવટકર્તાઓએ આ ઘટનાને વિનાશક અને અપૂર્વ ગણાવી છે. યાકના દૂધ અને ચીઝ વગેરેના વેચાણ દ્વારા ગુજરાન ચલાવતા પરિવારો પોતાની જાતનું ઠંડીથી રક્ષણ કરવા માટે નીચાણવાળા વિસ્તારોમાં આવી ગયા હતા પરંતુ તેમણે પોતાના પશુધનને ત્યાં જ છોડી દીધું હતું.
દર વર્ષે તે વિસ્તારમાં ૧૦-૧૫ યાક મૃત્યુ પામે છે પરંતુ આ વખતનો મૃતક આંક ખૂબ જ ઉંચો આવ્યો છે. હાલમાં ત્યાં ૪૦-૫૦ જેટલા યાક જીવીત છે અને તેમને બચાવવા માટે મેડિકલ ટીમ મોકલવામાં આવી છે. જિલ્લા પ્રશાસન અને ભારત-તિબેટ સરહદ પોલીસ દ્વારા પ્રભાવિત પરિવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેથી તેના આધારે તેમને વળતર આપી શકાય.
રાજ્ય પ્રશાસને યાકના માલિકોને પ્રત્યેક યાક માટે ૩૦,૦૦૦ રુપિયા વળતર આપવા મંજૂરી આપી છે અને કોઈ પણ માલિકને ત્રણથી વધારે યાક માટે વળતર આપવામાં નહી ં આવે. ગત ડિસેમ્બર મહિનાથી ભારે હિમવર્ષાને કારણે યાક મુકુથાંગ વિસ્તારમાં ફસાઈ ગયા હતા અને ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા.
ઉત્તર સિક્કિમના જિલ્લા મેજિસ્ટ્રેટ રાજ કુમાર યાદવે જણાવ્યા પ્રમાણે ભારત-તિબેટની સરહદ પાસે મુકુથાંગ ખીણ વિસ્તારમાં યાક પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. મુકુથાંગ વિસ્તારમાં રોડ માર્ગે વાહન દ્વારા જતા પાંચ કલાક જેટલો સમય લાગે છે જ્યારે રાજધાની ગંગટોકથી ત્યાં પહોંચતા ત્રણ-ચાર કલાક લાગે છે.
છેલ્લા ત્રણ મહિનાથી ભારે હિમવર્ષાને કારણે રસ્તો બંધ હોવાથી પ્રાણીઓ માટે ઘાસચારો મોકલવો અશક્ય બન્યો હતો. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર દ્વારા પણ પશુઓને ચારો નહોતો પહોંચાડી શકાયો જેથી તેઓ ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PZD43v
via Latest Gujarati News
0 Comments