સરકારી તેલ કંપનીઓનો દેવા બોજ રૂ. 1.62 ટ્રિલિયન: પાંચ વર્ષની ઊંચી સપાટીએ

મુંબઈ,તા. 29 મે, 2019, બુધવાર

સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ)નું  માર્ચ ૨૦૧૯ના અંતે સંયુકત દેવું રૂપિયા ૧.૬૨ ટ્રિલિયન સાથે પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. વાર્ષિક ધોરણે દેવામાં ૩૦ ટકા વધારો થયો છે. વર્કિંગ કેપિટલની ખેંચને કારણે દેવા બોજમાં વધારો થયો છે. 

આઈઓસીના માથે રૂપિયા ૯૨૭૧૨ કરોડ, બીપીસીએલ રૂપિયા ૪૨૯૧૫ કરોડ તથા એચપીસીએલના માથે રૂપિયા ૨૬૦૩૬ કરોડનું દેવું રહ્યું હતું. છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓના દેવામાં રૂપિયા ૩૬૪૦૨ કરોડનો વધારો થયો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. 

ઊંચા મૂડી ખર્ચ અને સરકાર તરફથી એલપીજી અને કેરોસિન માટેની રૂપિયા ૩૩૯૦૦ કરોડની સબસિડીની રકમની ચૂકવણીમાં ઢીલ પણ દેવામાં વધારો થવાનું એક કારણ છે. રાજકોષિય સમતુલા જાળવવા સરકાર તરફથી ચૂકવણીમાં ઢીલ થઈ રહ્યાનું જણાવાય રહ્યું છે.

આ અગાઉ જ્યારે ક્રુડ તેલના ભાવ વધીને પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી ગયા હતા ત્યારે આ ત્રણ કંપનીઓનું સંયુકત દેવું નાણાં વર્ષ ૨૦૧૪માં રૂપિયા ૧.૭૬ ટ્રિલિયન પર પહોંચી ગયું હતું. આની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૧૮-૧૯નો દેવાનો આંક નીચો કહી શકાય. 

બીપીસીએલ તથા એચપીસીએલની સરખામણીએ આઈઓસી જંગી મૂડી ખર્ચની યોજના ધરાવે છે. વ્યાપક વેચાણ કામગીરીને કારણે એચપીસીએલ માટે સ્થિતિ સાનુકૂળ છે. કંપનીનો કેશ ફલોઝ જોરદાર રહે છે. આ ઉપરાંત, એચપીસીએલની મૂડી ખર્ચ યોજના પાછળ ખાસ ખર્ચ નથી થતો જ્યારે, બીપીસીએલ દ્વારા સંશોધન તથા ઉત્પાદન ખર્ચ ઉપરાંત ગેસ વિતરણની કામગીરી પણ પાર પાડવાની રહે છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

માર્ચ ત્રિમાસિક ગાળાની અંદર જ આ કંપનીઓના દેવામાં રૂપિયા ૫૦૦૦ કરોડથી રૂપિયા ૧૦,૦૦૦ કરોડની વચ્ચેનો વધારો થયો છે. સબસિડી પેમેન્ટમાં ઢીલને કારણે આ વધારો થયો છે. 

સરકારને ઊંચા ડિવિડન્ડની ચૂકવણી, એરિયર્સ તથા મથુરા રિફાઈનરી માટે એન્ટ્રી ટેકસ જેવા મુદ્દાઓને કારણે આઈઓસીનું બોરોઈંગ્સ ઊંચુ રહ્યું છે. સબસિડીની બાકી રકમને કારણે વર્કિંગ કેપિટલની ખેંચ ઊભી થઈ છે, કારણ કે આ કંપનીઓ આયાતી ક્રુડ તેલ પર વધુ આધાર રાખે છે. આને કારણે તેલ કંપનીઓએ વર્કિંગ કેપિટલની આવશ્યકતા પૂરી કરવા ઉછીના નાણાં મેળવવા પડે છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WyBdbF
via Latest Gujarati News

Post a Comment

0 Comments