અમદાવાદ, તા. 29 મે, 2019, બુધવાર
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એન.ડી.એ.ને સ્પષ્ટ બહુમતી મળ્યાના અહેવાલો પાછળ મુંબઈ શેરબજારના સેન્સેક્સ દ્વારા ઉંચી સપાટીના વિક્રમ રચાઈ રહ્યા છે. તો બીજી તરફ બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન તેની અગાઉની ટોચથી રૂા. ૮ ટ્રિલિયનથી વધુ નીચે જોવા મળી રહ્યું છે.
લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ જાહેર થયેલ એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળશે તેવા એંધાણ જાહેર થતાં તે દિવસે સેન્સેક્સ ૧૪૦૦થી વધુ પોઇન્ટ ઉછળી ૩૯૩૫૩ પહોંચ્યો હતો. ત્યારબાદ મત ગણતરીના દિવેસ સેન્સેક્સ ૧૦૦૦થી વધુ પોઇન્ટ ઉછળીને ૪૦,૦૦૦ની સપાટી કુદાવી ૪૦૧૨૫ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જો કે, પાછળથી નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
મતગણતરીના દિવસ પછી પણ સેન્સેક્સમાં ઉછાળા જારી રહેવા સાથે ગઈકાલે એટલે કે મંગળવારે તે ૩૯૭૫૦ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. જો કે, આજે સેન્સેક્સમાં પીછેહઠ થવા પામી હતી.
આમ, છેલ્લા દસેક દિવસથી સેન્સેક્સ સતત નવી ઉંચી સપાટીના વિક્રમ રચતો જાય છે. પરંતુ બીજી તરફ મુંબઈ શેરબજારનું માર્કેટ કેપ અગાઉ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ સેન્સેક્સે ૩૮૦૦૦ની સપાટી હાંસલ કરી તે વેળાએ ટોચે પહોંચ્યું હતું. ત્યાંથી આજે ઘણું જ નીચું છે.
ગત તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ બીએસઇનું માર્કેટ કેપ રૂા. ૧૬૧ ટ્રિલિયનની વિક્રમી ટોચે પહોંચ્યું હતું. જે આજે (બુધવારે) રૂા. ૧૫૩.૬ ટ્રિલિયનની સપાટીએ હતું. ગઈકાલે (મંગળવારે) સેન્સેક્સે ૩૯૭૫૦ની ઉંચી સપાટી હાંસલ કરી હતી. તે દિવસે બીએસઇનું માર્કેટ કેપ રૂા. ૧૫૪.૬ ટ્રિલિયન હતું. આમ, અગાઉની ટોચની સપાટીથી આજે માર્કેટકેપ રૂા. ૮ ટ્રિલિયનથી વધુ નીચું જોવા મળે છે.
બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ હાલ બજારમાં જે તેજી જોવા મળી છે તે સ્ટોક સ્પેસિફીક છે. અમુક ચોક્કસ શેરોમાં તેજી થતા સેન્સેક્સ ઉંચકાય છે જેના કારણે સેન્સેક્સ ઉંચી સપાટીના વિક્રમ રચે છે. પણ બીએસઇનું માર્કેટ કેપ તો અગાઉની ટોચની સપાટીથી નીચું જ છે. જે એક ચિંતાની બાબત છે. ટૂંકમાં હાલની તેજી એ સર્વવ્યાપી તેજી ની જેના કારણે માર્કેટ કેપ ઘટતું નથી.
ઇસ્યુ પ્રાઇસથી એસ ચાંદના શેરમાં
૮૩ ટકાનું ગાબડું
ટેક્સબુક પબ્લિશીંગ ક્ષેત્રે કાર્યરત એસ ચાંદ એન્ડ કંપનીના રોકાણકારોની મૂડીનું મોટા પાયે ધોવાણ થઈ જવા પામ્યું છે. આ કંપનીનો શેર આજે નબળા પરિણામો પાછળ ૧૪ ટકા તૂટીને ૧૧૬ના મથાળે ઉતરી આવ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ગત તા. ૯ મે, ૨૦૧૭ના રોજ આ કંપનીના શેરનું લિસ્ટિંગ થયું હતું. કંપનીએ રૂા. ૬૭૦ના ભાવે આ શેર ઓફર કર્યા હતા. જે આજે રૂા. ૧૧૬ના મથાળે ઉતરી આવતા તેમાં ૮૩ ટકાનું ગાબડું નોંધાયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mh7lwJ
via Latest Gujarati News
0 Comments