IIP, PMI પછી હવે દેશમાં ઠલવાતા FDIના પ્રવાહમા પણ થયેલી પીછેહઠ

નવી દિલ્હી,તા. 29 મે, 2019, બુધવાર

નાણાં વર્ષ ૨૦૧૯માં દેશમાં ઈનબાઉન્ડ સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)માં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ૬ વર્ષમાં  એફડીઆઈમાં પ્રથમ વખત જ ઘટાડો જોવા મળ્યો છે. દેશની એકંદરે નબળી આર્થિક સ્થિતિને કારણે આ વિદેશી મૂડીરોકાણ પર અસર પડી છે. 

ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે  ઈક્વિટી ઈન્ફલોઝ ઘટીને ૪૪.૩૬ અબજ ડોલર રહ્યો છે જે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીએ એક ટકો ઓછો છે. આ અગાઉ ૨૦૧૨-૧૩માં એફડીઆઈમાં ૩૭.૩૪ ટકા ઘટાડો જોવાયો હતો.  

ચૂંટણી પહેલા વૈશ્વિક રોકાણકારો દ્વારા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા ઉપરાંત શેરબજારમાં વોલેટિલિટી તથા દેશના કોર્પોરેટ ક્ષેત્રની એકંદર નબળી સ્થિતિએ કદાચ વિદેશમાંથી નવા ઈન્ફોલઝ પર પ્રભાવ પાડયો હોઈ શકે એમ ઈન્ડિયા રેટિંગ્સના એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.

નાણાં વર્ષ ૨૦૧૯માં દેશનો આર્થિક વિકાસ દર સાત ટકા આસપાસ આવવાની ધારણાં મૂકવામાં આવી છે. જે મોદીના ગયા પાંચ વર્ષના શાસન કાળમાં સૌથી નીચો છે. ખાનગી ઈન્વેસ્ટમેન્ટ મંદ  રહ્યું છે અને માગ ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રમાં નબળી રહી છે. 

જો કે હવે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળ સ્થિર સરકાર આવી છે ત્યારે રોકાણકારો ફરી પાછા નાણાં ઠાલવવાનું શરૂ કરે તેવી શકયતા નકારાતી નથી એમ પણ તેમણે ઉમેર્યું હતું. 

નાણાં વર્ષ ૨૦૧૯માં વિદેશમાંથી સૌથી વધુ ફન્ડ સિંગાપુર ખાતેથી આવ્યું હતું. સિંગાપુર ખાતેથી એફડીઆઈ ૨૫ ટકા વધીને ૧૬.૨૨ અબજ ડોલર રહ્યું હતું જ્યારે મોરિસિયસ ખાતેથી ભારતમાં ૬.૮૦ અબજ ડોલર અને જાપાન મારફત ૨.૯૮ અબજ ડોલરનું એફડીઆઈ જોવા મળ્યું હતું. 

મોરિસિયસ તથા સિંગાપુર સાથેની વેરા સંધિમાં ભારતે સુધારા કર્યા છે. ૨૦૧૮માં સરકાર દ્વારા સંસદમાં રજુ કરાયેલા આંકડા પ્રમાણે, ટેકસ હેવન ગણાતા દેશો જેમ કે હોંગકોંગ તથા કેમેન આઈલેન્ડસ ખાતેથી નાણાં વર્ષ ૨૦૧૮માં એફડીઆઈમાં વધારો જોવાયો હતો. 

મોદી સરકારની પ્રથમ મુદતના પ્રથમ નાણાં વર્ષ ૨૦૧૪-૧૫માં એફડીઆઈમાં ૨૫ ટકા વધારો થયો હતો. નાણાં વર્ષ ૨૦૧૮માં આર્થિક વિકાસ  દર ઘટયો હતો. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wu1EPU
via Latest Gujarati News

Post a Comment

0 Comments