છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની ગૃહકાર્ય ન લાવતા શિક્ષકે વિદ્યાર્થીઓ દ્વારા 168 થપ્પડ મરાવ્યા


(પીટીઆઈ) ઝાબુઆ, તા.16 મે, 2019, ગુરૂવાર

મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગૃહકાર્ય પૂરુ ન કર્યું હોવાથી શિક્ષકે વર્ગના અન્ય બાળકોને તે વિદ્યાર્થીનીને ૧૬૮ થપ્પડ મારવા માટે ફરજ પાડી હતી. થાંદલા ખાતે આવેલી જવાહર નવોદય શાળાના આ શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટે તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં રિમાન્ડ પર લેવા આદેશ આપ્યો છે. 

થાંદલા તેહસિલના અતિરિક્ત જિલ્લા કાર્યવાહી અધિકારી રવિપ્રકાશ રાયે જણાવ્યા પ્રમાણે થાંદલા ન્યાયાલયના ન્યાયાધીશ જય પાટીદારે આરોપી શિક્ષક મનોજ વર્માની જામીન અરજી નામંજૂર કરી છે. વર્માએ ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકીનું ગૃહકાર્ય પૂરુ ન હોવાથી અન્ય વિદ્યાર્થીઓને તેને થપ્પડ મારવા માટે ફરજ પાડી હતી. 

પીડિતાના પિતા શિવ પ્રતાપ સિંહે જણાવ્યા પ્રમાણે તેમની દીકરી ખરાબ તબિયતના કારણે ગત વર્ષે પહેલીથી દસમી જાન્યુઆરી સુધી શાળાએ નહોતી ગઈ. ત્યાર બાદ ૧૧મી જાન્યુઆરીના રોજ તે ગૃહકાર્ય કર્યા વગર શાળાએ ગઈ માટે શિક્ષકે અન્ય બાળકોને સજા તરીકે તેને થપ્પડ મારવા કહ્યું હતું.

જેને પગલે વર્ગની અન્ય ૧૪ બાળકીઓએ સળંગ છ દિવસ સુધી પીડિતાને દરરોજ બે-બે થપ્પડ મારી હતી. આ મામલે શિવ પ્રતાપે શાળાના સંચાલકોને ફરિયાદ કરી હતી જેથી તેમણે તપાસ માટે એક સમિતિની રચના કરી હતી અને શિક્ષક દોષિત હોવાનું સાબિત થતા તેને સસ્પેન્ડ કરેલો. 

આ દરમિયાન શિવ પ્રતાપે તે શિક્ષક વિરુદ્ધ આઈપીસી અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની વિવિધ કલમો અંતર્ગત પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસમાં જણાવ્યું કે આ બનાવને પગલે તેમની દીકરી તણાવમાં આવી ગઈ હતી અને બીમાર પડતા તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આ ઉપરાંત તે બાળકી શાળાએ જવા માટે પણ ઈન્કાર કરવા લાગી હતી. આ કેસમાં સોમવારે શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે કોર્ટે તેની જામીન અરજી નકારી દીધી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JH717v
via Latest Gujarati News

Post a Comment

0 Comments