મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં 1999 બાદ Best exit Poll rally

અમદાવાદ, તા. 20 મે, 2019, સોમવાર

ગઈકાલે (રવિવારે) લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા વિવિધ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએને ૩૦૦થી વધુ સીટ મળશે અને પુન: સરકાર રચશે તેવી જાહેરાતની આજે શેરબજાર પર સાનુકૂળ અસર થવા સાથે ચોમેરથી નિકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સમાં ૧૪૨૨ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જે ૧૯૯૯ બાદ એક્ઝિટ પોલની જાહેરાત પછીનો સૌથી મોટો ઉછાળો છે. જ્યારે રૂટિન કામકાજમાં આજે નોંધાયેલો ઉછાળો છેલ્લા છ વર્ષનો સૌથી મોટો ઊછાળો છે.

એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ફરી NDAને બહુમતી મળશે તેવા આશાવાદ સાથે સોમવારે BSE સેન્સેક્સ ૧૪૨૨ પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન BSE સેન્સેક્સ ઉપરમાં ૩૯,૪૧૨.૫૬ અને નીચામાં ૩૮,૫૭૦.૦૪ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઉપરમાં ૧૧,૮૪૫.૨૦ અને નીચામાં ૧૧,૫૯૧.૭૦ પોઈન્ટસની વચ્ચે ટ્રેડ થયા બાદ ૪૨૧.૧૦ પોઈન્ટ્સ અથવા ૩.૬૯ ટકાના જંગી ઊછાળા સાથે ૧૧,૮૨૮.૨૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ BSE મિડકેપ અને BSE  સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૩.૫૭ ટકા અને ૩.૫૫ ટકા વધીને બંધ રહ્યા હતા.

આ અગાઉની લોકસભાની ચૂંટણી બાદ જાહેર થતા એક્ઝિટ પોલના દિવસે બજારમાં મોટી ઊછળકૂદ નોંધાયેલ છે. પણ આ વર્ષે એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સે ઉછાળાનો નવો વિક્રમ રચ્યો છે. આજે એનએસઈના નિફ્ટીમાં પણ સેન્સેક્સની જેમજ ૩.૭ ટકાનો ઊછાળો નોંધાયો હતો.

અગાઉના એક્ઝિટ પોલના દિવસની બજારની મુવમેન્ટ પર નજર કરીએ તો, ૧૩ મે ૨૦૧૪ના દિવસે એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સ તેમજ નિફ્ટીમાં ૨.૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ભૂતકાળમાં ૩ ઓક્ટોબર ૧૯૯૯ના રોજ એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સમાં ૧ ટકાનો ઘટાડો થયો હતો. ૧૦ મે ૨૦૦૪ના રોજ એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સ ૨ ટકા વધ્યો હતો. જ્યારે ૧૩ મે ૨૦૦૯ના રોજ એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સ ૧ ટકો ઘટયો હતો.

ફરી એકવાર સ્થિર સરકાર રચવાના આશાવાદે આજે ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ શેરોની જાતેજાતમાં સુધારા નોંધાયા હતા. જેના પગલે મુંબઈ શેરબજાર ખાતે આજે તમામ સેક્ટોરીયલ ઈન્ડેક્સ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.

એક્ઝિટ પોલના દિવસે સેન્સેક્સની મૂવમેન્ટ

૧૩ મે ૨૦૧૪ .........૨.૪ ટકા

૧૩ મે ૨૦૦૯......... ૧ ટકા

૧૦ મે ૨૦૦૪......... ૨ ટકા

૩ ઓક્ટોબર ૧૯૯૯.... ૧ ટકા



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JtB3w9
via Latest Gujarati News

Post a Comment

0 Comments