
કોલંબો, તા. 20 મે, 2019, સોમવાર
ઈસ્ટર સન્ડેના હુમલા પછી શ્રીલંકન પોલીસે શકમંદોની ધરપકડ શરૂ કરીને પૂછપરછ આદરી છે. એ સિલસિલામાં શ્રીલંકન સંસદના અધિકારી સહિત છની ધરપકડ કરવામાં આવી છે. આ છ આરોપીઓ આતંકવાદી સંગઠન એનટીજેને વિવિધ રીતે મદદ કરતા હતા.
શ્રીલંકન પોલીસના પ્રવક્તા રૂવાન ગુણસેકરાએ જણાવ્યું હતું કે શ્રીલંકન સંસદનો એક અધિકારી પણ ઈસ્ટર સન્ડેનો હુમલો કરનારા આતંકવાદી સંગઠન એનટીજે સાથે સંડોવાયેલો હતો. સંસદનો એ અધિકારી આતંકવાદી સંગઠનનો ધર્મ ઉપદેશક હતો અને કટ્ટર માનસિકતા ફેલાવવા માટે ઉશ્કેરણીજનક ભાષણો આપતો હતો. સંસદમાં એ અધિકારી છેલ્લાં ૧૨ વર્ષથી નોકરી કરતો હતો અને તેનો રેકોર્ડ ઘણો સારો માનવામાં આવતો હતો.
શ્રીલંકન પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણ આરોપીઓને આતંકવાદીઓને તાલીમની સુવિધા પૂરી પાડવામાં મદદગારી કરી હતી. એમાં એક જમીન માલિકનો પણ સમાવેશ થાય છે. નાળિયેરના ખેતરમાં આતંકવાદીઓની બેઠક થતી હતી. એની વ્યવસ્થા તેનો માલિક કરી આપતો હતો. તેને પકડી પાડવામાં આવ્યો હતો.
તમામ છ આરોપીઓને આવતા સપ્તાહે કોર્ટમાં રજૂ કરાશે એવું ય પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું. બે આરોપીઓએ હોસ્પિટલમાં મદદ કરી હતી. હોસ્પિટલના સ્ટાફે આતંકવાદી સંગઠન માટે ચેક વટાવવાનું કામ કર્યું હતું. ઈસ્ટર સન્ડેના હુમલા પછી પોલીસે સંખ્યાબંધ આરોપીઓની ધરપકડ કરી છે. તમામ શકમંદો એક યા બીજી રીતે આતંકી સંગઠનને મદદ કરતા હતા. એ તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JuPrnW
via Latest Gujarati News
0 Comments