
(પીટીઆઇ) કોલકત્તા, તા. 20 મે, 2019, સોમવાર
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપી નેતા એન.ચંદ્રાબાબુ નાયડુએ અત્રે એમના પશ્ચિમ બંગાળના સમકક્ષ મમતા બેનરજી સાથે આજે બેનરજીના નિવાસસ્થાને મુલાકાત યોજી હતી અને જો લોકસભા ચૂંટણીનો ખંડિત લોકચુકાદો આવે તો કેન્દ્રમાં બિનભાજપ સરકારની રચના વિષેના નિર્ણય બાબત ચર્ચા કરી હતી.
અમરાવતી (મહારાષ્ટ્ર)થી અહીં આવી પહોંચેલા નાયડુએ 'મહાગઠબંધન' ના ભાવિ વ્યૂહ વિષે બેનરજી સાથે ૪૫ મિનિટ બેઠક કરી હતી. બેઠકમાં, પ્રાદેશિક પક્ષો સહિતની કોંગ્રેસનો ટેકો પ્રાપ્ત બિનભાજપ સરકાર રચવાની શક્યતાઓ પણ ચર્ચાઇ હતી. ''આજની બેઠકમાં એમ નક્કી કરાયું છે કે ચૂંટણી પરિણામરૂપે ખંડિત લોકચુકાદો આવે તો મહાગઠબંધનના બીજા સભ્યો સાથે તા.૨૩ મેએ પરિણામો જાહેર થયા પછી ચર્ચા કરાશે,'' એમ સૂત્રોએ જણાવ્યું.
બેનરજીએ નવી દિલ્હી જવું કે નહિ એ વિષે પણ ૨૩ મે પછી નિર્ણય કરાશે. ભાજપ વિરોધી વિપક્ષી નેતાઓને એક કરવા મથી રહેલા ચંદ્રાબાબુ નાયડુ બેઠક પછી નવી દિલ્હી જવા ઉપડી ગયા હતા. સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે દિવસ દરમિયાન મમતા બેનરજી સાથે ફોન પર વાત કરી હતી અને મહા ગઠબંધનની સૂચિત વ્યૂહરચના વિષે ચર્ચા કરી હતી, એમ સૂત્રોએ કહ્યું.
તેલગુદેશમ પક્ષના અધ્યક્ષ ગઇકાલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારને તેમજ સીપીઆઇ(એમ)ના મહામંત્રી સીતારામ યેચુરીને મળ્યાં હતાં. તેઓ શનિવારે બસપા અધ્યક્ષ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા હતા.
ભાજપની તરફેણમાં ચૂંટણીનો લોકચુકાદો આવી રહ્યો હોવાનું જણાવતા એકિઝટ પોલના તારણોને મમતા બેનરજીએ 'ગોસિપ' ગણાવી ફગાવી દીધા છે. આ તારણોનો ઉપયોગ, ઇવીએમ મશીનોમાં ગોટાળા કરવા માટે કરવાનો ગેમ પ્લાન છે, આથી હું આ તારણો પર વિશ્વાસ કરતી નથી, એમ મમતાએ સ્પષ્ટતા કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JuOZWM
via Latest Gujarati News
0 Comments