એક્ઝિટ પોલમાં NDAની સ્પષ્ટ જીતની આગાહી પછી કિંગમેકર બનવા માગતા KCRનું મૌન


હૈદરાબાદ, તા. 20 મે, 2019, સોમવાર

ગઇ સાંજે એકિઝટ પોલના તારણોમાં તેલંગાણામાં પોતાના પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના જ્યારે દિલ્હીમાં એનડીએના સરળ વિજયની આગાહી થયા પછી તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવે પાટનગર હૈદરાબાદમાં પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજી હતી. એમણે સ્થાપેલી ટીઆરએસને તેલંગાણાની ૧૭ પૈકી ૧૩-૧૪ બેઠકો મળતી હોવાનું જણાવાયું છે.

ટીઆરએસ નેતાઓએ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી રાજ્યમાં ઊભી થનારી પરિસ્થિતિની ચર્ચા કરી હતી કે ચંદ્રશેખર રાવે પક્ષના નેતાઓને કહ્યું કે એકિઝટ પોલમાં એમના પક્ષના વિજયને થોડોક નજર અંદાજ કરવામાં આવ્યો છે. ટીઆરએસ આગાહી કરતાં પણ વધુ સારા પરિણામ લાવશે. મુખ્યપ્રધાન રાજ્યની ૧૭માંથી ૧૬ લોકસભા બેઠકો જીતવાના આશાવાદી છે, એમ ટીઆરએસના એક નેતાએ જણાવ્યું.

જો કે આ વખતે મુખ્યપ્રધાન કેસીઆર પોતે દિલ્હીમાં જેની રચના કરવા માગે છે એ ફેડરલ ફ્રન્ટ વિષે એક શબ્દ પણ બોલ્યા નથી. હાલમાં કોલકાત્તા, દિલ્હી અને લખનૌ વચ્ચે ઉડાઉડ કરતા એમના પ્રતિસ્પર્ધી અને આંધ્રના મુખ્યપ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ જે ભૂમિકા કરી રહ્યા છે એવી જ ભૂમિકા કેસીઆર કરી રહ્યા છે.

કેસીઆરે, એમના પક્ષે ૨૦૧૮ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં બાજી મારી એ પછી રાષ્ટ્રીય રાજકારણમાં એમની મહત્વાકાંક્ષાઓને કદી છૂપી રાખી નથી. આ મહત્વાકાંક્ષાના પરિણામરૂપે જ એમના પુત્ર કેટી રામારાવને પક્ષના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે અને રાજ્યના વહીવટ માટે રામારાવને છૂટો દોર અપાશે. ''

રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેલંગાણાએ મહત્વની ભૂમિકા ભજવવાની છે. અમે રાષ્ટ્રીય રાજકારણમાં અગત્યની કામગીરી કરીશું અમે નવી રાષ્ટ્રીય દ્રશ્યાવલિને નવેસરથી વ્યાખ્યાતિત કરીશું, એમ કે.સી. ચંદ્રશેખર રાવે એમના સમર્થકોને ગઇ તા.૭ ડિસેમ્બરે રાજ્ય વિધાનસભાના પરિણામો પછી પ્રથમ વારના સંબોધનમાં જણાવ્યું હતું. તેલંગાણાની ૧૧૦ સભ્યોની વિધાનસભામાં ટીઆરએસના ૮૮ સભ્યો છે.

જો કે રાષ્ટ્રીય ચૂંટણીમાં કિંગમેકર બનવાની મહત્વાકાંક્ષા રાખતા કેસીઆર મોરચાની રચના કરવામાં કાચા પડયા છે. ભાજપ-કોંગ્રેસ રહિત મોરચા પાસે સભ્યોનું ઓછું સંખ્યાબળ હોવા છતાં એની તરફેણ કરવામાં કેસીઆર થોડા વધુ મહત્વાકાંક્ષી પણ જણાયા હતા. જો રાષ્ટ્રીય ચૂંટણીના પરિણામમાં એકિઝટ પોલના તારણોમાં દર્શાવાયું છે એમ ભાજપને ૩૦૦થી વધુ બેઠકો મળશે તો કેસીઆરને ભાગ કંઇ ખાસ  કરવાનું આવશે નહિ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JYc6IN
via Latest Gujarati News

Post a Comment

0 Comments