અમેરિકા શુક્રવારથી ચીનની 200 અબજ ડોલરની વસ્તુઓ પરની ડયુટી વધારીને 25 ટકા કરશે


છેલ્લા દસ મહિનાથી ચીન 50 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકા અને 200 અબજ ડોલરની વસ્તુઓ પર 10 ટકા ડયુટી ભરી રહ્યું છે  

વધારે કન્સેશન આપવાની અમેરિકાની માગનો જિનપિંગે અસ્વીકાર કરતા ટ્રમ્પે ડયુટી વધારવાની ધમકી આપી

શુક્રવારથી 200 અબજ ડોલરની વસ્તુઓ પરની ડયુટી 10 ટકાથી વધીને 25 ટકા થઇ જશે

(પીટીઆઇ) અંબાલા, તા. 6 મે, 2019, સોમવાર

ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ જ ધીમી ચાલતી હોવાથી અમેરિકા ચાલુ સપ્તાહમાં ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારીને ૨૫ ટકા કરશે તેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ચીનનું ડેલિગેશન અંતિમ તબક્કાની ચર્ચા કરવા માટે બુધવારે વોશિંગ્ટન પહોંચશે. ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું છે કે છેલ્લા દસ મહિનાની ચીન ૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૨૫ ટકા અને ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૧૦ ટકા ડયુટી ભરી રહ્યું છે. શુક્રવારથી ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની ડયુટી ૧૦ ટકાથી વધીને ૨૫ ટકા થઇ જશે.

છેલ્લા વર્ષથી બંને દેશો એકબીજાની ૩૬૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારી છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહ સુધી ટ્રમ્પ જણાવતા હતા કે ચીન સાથેની વેપાર મંત્રણા સારી ચાલી રહી છે. 

ટ્રમ્પે જણાવ્યું છે કે તે ચીન સાથેની વેપાર ખાધ ઘટાડવા માગે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં ચીન સાથેની વેપાર ખાધ ૩૭૮.૭૩ અબજ ડોલર રહી હતી. 

ચીન પર દબાણ વધારવા માટે ટ્રમ્પે ધમકી આપી છે કે અમેરિકામાં પ્રવેશતી ચીનની તમામ વસ્તુઓ પર ડયુટી નાખવામાં આવશે. ચીને ગયા વર્ષે અમેરિકામા ૫૩૯.૫ અબજ ડોલરની નિકાસ કરી હતી. આ દરમિયાન ચીને જણાવ્યું છે કે ટ્રમ્પની ધમકી છતાં ચીનનું ડેલિગેશન મંત્રણા માટે વોશિંગ્ટન જશે. 

ટ્રમ્પની ધમકીને પગલે વૈશ્વિક શેરબજારો ધરાશાયી 

(પીટીઆઇ) બેંગકોક, તા. ૬

અમેરિકાએ  ચાલુ સપ્તાહમાં ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારીને ૨૫ ટકા કરવાની ધમકી આપતા આજે વૈશ્વિક બજારોમાં કડાકો જોવા મળ્યો હતો. શાંગાઇ કોમ્પોઝીટ ઇન્ડેક્સ ૬.૫ ટકા ઘટીને ૨૮૭૭.૭૧ થઇ ગયો હતો. હેંગસેંગ ૩.૩ ટકા ઘટીને ૨૯,૦૮૯ થઇ ગયો હતો. ડાઉ જોન્સ ઇન્ડ્રસ્ટ્રીયલ એવરેજનો ફયુચર કોન્ટ્રાક્ટ ૧,૭ ટકા ઘટીને ૨૬,૦૪૨ થયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DTm8XP
via Latest Gujarati News

Post a Comment

0 Comments