દિવેલ- એરંડામાં નોંધાયેલો ઝડપી ઘટાડો: પામતેલમાં 300 ટનના વેપાર: ખાદ્યતેલોના વાયદા ઉંચકાયા

મુંબઈ, તા. 27 મે, 2019, સોમવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ સાંકડી બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. માગ ધીમી હતી. પામતેલમાં જોકે લેવાલી જળવાઈ રહેતાં આશરે ૩૦૦ ટનના વેપારો થયાની ચર્ચા હતી. અમેરિકામાં જાહેર રજાના કારણે ત્યાંના બજારોના પ્રોજેકશનના સમાચાર આજે ગેરહાજર રહ્યા હતા.

જ્યારે મલેશિયામાં પામતેલમાં આજે હવામાન મિશ્ર રહ્યાના સમાચાર હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૫૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૦૦થી ૧૦૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૬૩૦થી ૧૬૪૦ રહ્યા હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૭થી ૭૧૦ વાળા રૂ.૭૧૦થી ૭૧૩ રહ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૫૬ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, મલેશિયામાં આજે પામતેલનો વાયદો વધી છેલ્લે ૮, ૧૨, ૧૨ તથા ૧૦ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યાના સમાચાર હતા જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ જોકે અઢી ડોલર નરમ બોલાઈ રહ્યા હતા. ઘરઆંગણે સોયાબીનની ઓલ ઈન્ડિયા આવકો આજે બપોરે આશરે ૧ લાખ ૮૦ હજાર ગુણી નોંધાઈ હતી.

જ્યારે મધ્ય- પ્રદેશ બાજુ આવી આવકો આશરે ૯૦ હજાર ગુણી આવ્યાના વાવડ હતા. દરમિયાન, ત્યાં મથકોએ હાજર બજારમાં સોયાબીનના ભાવ રૂ.૩૬૭૫થી ૩૮૨૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૂ.૩૮૦૦થી ૩૯૦૦ બોલાઈ રહ્યાના સમાચાર હતા. મલેશિયામાં પામતેલનું કુલ ઉત્પાદન ચાલુ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં આશરે ૪થી ૫ ટકા ઘટયાના નિર્દેશો મળ્યા હતા.

વિશ્વબજારમાં સનફલાવરના ભાવ કાચાતેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૪૨.૫૦ ડોલર બોલાઈ રહ્યા હતા. ઘરઆંગણે મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૧૧ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૬૫૦૦ ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં રૂ.૧૦૩૦થી ૧૦૩૫ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, યુરોપના દેશોમાં પામતેલનો બાયોફયુઅલમાં વપરાશ ઘટાડવાની ઝુંબેશ શરૂથતાં મલેશિયાએ ઘરઆંગણે પામતેલનો વપરાશ બાયોફયુઅલમાં વધારવા યોજના બનાવી હોવાના સમાચાર મળી રહ્યા હતા.

મુંબઈ બજારમાં પામતેલના ભાવ ૧૦ કિલોના હવાલા રિસેલના રૂ.૫૯૦ તથા જેએનપીટીના રૂ.૫૮૬ રહ્યા હતા. આશરે ૩૦૦ ટનના વેપારો રૂ.૫૯૦માં થયા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૦૪ વાળા રૂ.૫૦૮ રહ્યા હતા જ્યારે સીપીઓ વાયદાના ભાવ જૂનના આજે સાંજે રૂ.૫૧૩.૭૦ તથા સોયાતેલના જૂન વાયદાના ભાવ સાંજે રૂ.૭૪૭ બોલાઈ રહ્યા હતા. 

એરંડા વાયદામાં જૂનના ભાવ સાંજે આશરે રૂ.૫૭૩૬ બોલાઈ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડવોર ફરી શરૂ થતાં આવા ટ્રેડવોરની અસર અમેરિકાના કૃષી બજારો તથા ખેડૂતો પર પડવાની શક્યતા ઉભી થઈ છે તથા તેના પગલે અમેરિકાના ખેડૂતોને પીઠબળ પુરું પાડવા અમેરિકાની સરકાર મોટું પેકેજ આપવાની છે એવા સમાચારોના પગલે અમેરિકાના કૃષી બજારોમાં વિતેલા સપ્તાહના અંતે ભાવ નીચા મથાળેથી ઝડપી વધી આવ્યા હતા. હવે મંગળવારે અમેરિકાના કૃષી બજારો ફરી ખુલશે ત્યારે ટ્રેન્ડ કેવો રહે છે તેના પર ખેલાડીઓની નજર રહી છે. સોમવારે ત્યાં જાહેર રજાના પગલે બજારોએ બંધ પાળ્યો હતો.

દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે જૂનના ભાવ રૂ.૬૮ ઘટી રૂ.૫૭૩૪ રહ્યા હતા જ્યારે જુલાઈ વાયદાના ભાવ રૂ.૭૬ ઘટી રૂ.૫૮૨૮ રહ્યા હતા. સીપીઓ વાયદાના ભાવ આજ સાંજે રૂ.૨.૭૦ તથા ૨.૨૦ પ્લસમાં રહ્યા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ આજે સાંજે રૂ.૨.૫૫ તથા રૂ.૦.૯૫ પ્લસમાં રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ રૂ.આઠ ગબડી કોમર્શિયલના રૂ.૧૧૮૦, એફએસજીના રૂ.૧૧૯૦ તથા એફએસજી કંડલાના રૂ.૧૧૭૦ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૭૯૦ વાળા રૂ.૫૭૫૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૨ વાળા રૂ.૭૦૮ રહ્યા હતા જ્યારે રિફાઈન્ડના ભાવ રૂ.૭૩૫ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૭૩૦ તથા રિફાઈન્ડના રૂ.૭૭૦ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૭૮૦ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ બોલાઈ રહ્યા હતા.

મુંબઈ ખોળ બજારમાં આજે કપાસીયા ખોળના ભાવ ટનના રૂ.૩૦૬૦૦ વાળા રૂ.૩૦૭૦૦ રહ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ રૂ.૩૩૦૭૫થી ૩૩૦૮૦ વાળા રૂ.૩૩૧૮૦થી ૩૩૧૮૫ રહ્યા હતા. જોકે અન્ય ખોળો શાંત રહ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HDKpTU
via Latest Gujarati News

Post a Comment

0 Comments