(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા.24 મે, 2019, શુક્રવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા આવ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ઘટાડા પર હતા. શેરબજારમાં ખાસ્સી તેજી આવતાં કરન્સી બજારમાં આજે રૂપિયો ઉંચકાયો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગુરૂવારે રાત્રે ૪થી ૫ ટકા તૂટી જતાં તેની અસર આજે કરન્સી બજારમાં દેખાઈ હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટે મજબૂતાઈ બતાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટયો હતો તેના પગલે વૈશ્વિક સ્તરે સોનામાં ઘટાડે ફંડવાળા લેવાલ હતા. દરમિયાન, બ્રિટનના વડા પ્રધાન બ્રેકઝીટ પ્રશ્ને રાજીનામું આપી રહ્યાના વાવડ વહેતા થતાં વિશ્વ બજારમાં ડોલર તથા યુરો સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઘટતા અટકી વધી આવ્યા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલરના ભાવ જે ગુરૂવારે વધી રૂ.૭૦ની ઉપર ગયા હતા તે આજે રૂ.૭૦ની અંદર ઉતરી સાંજે ૬૯.૫૨થી ૬૯.૫૩ આસપાસ બોલાઈ રહ્યાની ચર્ચા હતી.
દરમિયાન વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૨૮૧.૨૦ ડોલર તથા ઉંચામાં ૧૨૮૫.૯૦ થઈ સાંજે ભાવ ૧૨૮૭.૮૦થી ૧૨૮૩.૯૦ ડોલર હતા. મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૭૦૦ વાળા ૩૧૫૯૦ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૮૨૭ વાળા રૂ.૩૧૭૧૭ બંધ હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૩૬૩૩૦ વાળા ૩૬૨૮૫ બંધ હતા.
મોડી સાંજે ભાવ ૩૬૩૫૦થી ૩૬૪૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૧૨૦૦થી ૧૨૫૦ ઉંચા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૧૪.૫૨ ડોલર તથા ઉંચામાં ૧૪.૬૫ થઈ સાંજે ભાવ ૧૪.૫૭થી ૧૪.૫૮ ડોલર હતા. પ્લેટીનમના ભાવ ઔંશના જે ૮૦૦ ડોલરની અંદર ઉતર્યા હતા તે આજે વધી સાંજે ૮૦૨થી ૮૦૨.૧૦ ડોલર હતા. પેલેડીયમના ભાવ ૧૩૧૦થી ૧૩૧૦.૫૦ ડોલરવાળા વદી સાંજે ૧૩૩૨.૪૦થી ૧૩૩૨.૫૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, ક્રૂડતેલના ભાવમાં આજે આંચકા પચાવી ધીમો સુધારો જોવા મળ્યો હતો. બ્રેન્ટક્રૂડના ભવા બેરલદીઠ જે ગુરૂવારે રાત્રે આશરે ચારથી સાડા ચાર ટકા ગબડી નીચામાં ૬૮ ડોલરની અંદર ઉતરી ૬૭.૯૦ ડોલર સુધી જતા રહ્યા હતા તે ફરી વધી ૬૮ ડોલર બતાવી સાંજે ભાવ ૬૮.૫૫થી ૬૮.૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
ન્યૂયોર્કના ભાવ જે ગબડી નીચામાં બેરલદીઠ ૫૮.૧૦થી ૫૮.૧૫ ડોલર થઈ ગયા હતા તે આજે વધી સાંજે ૫૮.૬૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ક્રૂડતેલ નીચા મથાળેથી ઉંચકાતાં વિશ્વ બજારમાં સોનામાં પણ ઘટાડે બજારને સપોર્ટ મળી રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wi2rVp
via Latest Gujarati News
0 Comments