કાશ્મીરમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર હિંસક દેખાવો, 47 પોલીસ જવાનો ઘાયલ


હરિયાણાના પંચકૂલામાં પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, રેપની શક્યતા

બાંદીપોરા/ ચંડીગઢ/ લખીમપુર, તા. 13 મે, 2019, સોમવાર

દેશભરમાં બાળકીઓ ઉપર બળાત્કારના ત્રણ ચકચારી બનાવો બન્યા હતા. જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશની આ ઘટનાઓ પછી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આ ઘટનાના વિરોધમાં હિંસક દેખાવો થયા હતા.

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં ત્રણ વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના સામે આવી હતી. તે પછી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ વિવિધ રીતે વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને સરકારી તંત્રને નિશાન બનાવ્યુ હતું. આ હિંસક વિરોધ પ્રદર્શનમાં ૪૭ એક આસિસ્ટન્ટ કમાન્ડર સહિત પોલીસ જવાનો ઘાયલ થયા હતા. બારામૂલામાં નેશનલ હાઈવે ઉપર તૈનાત સુરક્ષાતંત્રના જવાનો ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો.

ત્રણ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરનારા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને તેને મદદ કરનારા શાળાના એક પ્રિન્સિપાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને તુરંત મૃત્યુદંડ આપવાની માગણી ઉઠી હતી. બાંદીપોર ઉપરાંત સોપોર, બડગામ અને બારામૂલામાં આ અંગે ભારે વિરોધ ઉઠયો હતો અને બાળકી ઉપર આવું કૃત્ય કરનારા નરાધમને તુરંત સજા આપવાની લોકોએ માગણી મૂકી હતી.

જમ્મુ-કાશ્મીર યુનિવર્સિટી, કેન્દ્રિય વિશ્વવિદ્યાલય, ઈસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વગેરેના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ક્લાસનો બહિષ્કાર કર્યો હતો. હાઈકોર્ટના બાર એસોસિએશનના સભ્યોએ પણ આ ઘટનાના વિરોધમાં એક દિવસ કોર્ટની કાર્યવાહી કરી ન હતી. ધાર્મિક-રાજકીય સંગઠનોએ ઘટનાના વિરોધમાં દેખાવો કર્યા હતા.

દેશમાં બળાત્કારની આવી જ બીજી બે ચકચારી ઘટના સામે આવી હતી. હરિયાણાના પંચકૂલામાં એક ખુલ્લા મેદાનમાંથી પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો અને પોલીસે એ બાળકી ઉપર બળાત્કાર થયો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૃ કરી હતી. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં સાત વર્ષની બાળકી ઉપર બળાત્કાર થયો હતો અને તે પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે એક શકમંદને પકડીને તેની પૂછપરછ હાથ ધરી હતી. 

શિરડીમાં ૧૪ વર્ષના કિશોરનો આઠ વર્ષની બાળકી પર બળાત્કાર 

(પીટીઆઇ) મુંબઇ, તા.  ૧૩

શિર્ડીમાં રવિવારે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક ૧૪ વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો હતો. આ સંદર્ભે શિર્ડી પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલ કટકેએ જણાવ્યું હતું કે ૧૪ વર્ષનો આ કિશોર અહીથી ત્રણ કિલોમીટર દૂર નિમગાંવ ખાતેના એક અવાવરું સ્થળે બાળકીને લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટના બાદ બાળકીએ તેના વાલીઓને આ બાબતની જાણ કરતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ બાદ બાળકી અને કિશોર બન્નેની અહેમદનગરની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ હાથ ધરી, આરોપી કિશોરને સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ કિશોર સામે આઇપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) અને પોક્સો કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેવું કટકેએ જણાવ્યું હતું.

કુર્લામાં મહિલા પોલીસ સામે જ અશ્લીલ કૃત્ય કરનારા કોન્સ્ટેબલની ધરપકડ

મુંબઇ, તા.૧૩

કુર્લામાં મહિલા કોન્સ્ટેબલ સામે ૪૧ વર્ષીય કોન્સ્ટેબલે અશ્લીલ કૃત્ય કરતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલામાં કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે જ આ પ્રકારનું વર્તન કરાતા સામાન્ય મહિલાની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે.

કુર્લા (પૂર્વ)માં પોલીસ ક્વાર્ટર્સમાં આરોપી કોન્સ્ટેબલની ઇમારતની સામે જ મહિલા કોન્સ્ટેબલ રહે છે. આ મહિલા કોન્સ્ટેબલ શનિવારે તેના ઘરની બાલ્કનીમાં ઉભી હતી ત્યારે આરોપીએ તેની સામે જ પોતાના કપડા કાઢીને અશ્લીલ કૃત્ય કર્યું હતું. 

મહિલા કોન્સ્ટેબલો પોલીસ કન્ટ્રોલ રૃમમમાં ફોન કરી બનાવતી માહિતી આપી હતી. બાદમાં પોલીસે કેસ નોંધીને આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. બીજી તરફ આ મામલાની વિભાગીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આરોપી કોન્સ્ટેબલ ગત ત્રણ દિવસથી ડયુટી પર આવ્યો ન હોવાનું કહેવાય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HhFyYv
via Latest Gujarati News

Post a Comment

0 Comments