અમદાવાદ, તા. 02 મે, 2019, ગુરૂવાર
વિતેલા માર્ચ ત્રિમાસિક ગાળા દરમિયાન વિવિધ પરિબળો વચ્ચે શેરબજારમાં ઉદ્ભવેલા વોલેટાલિટીભર્યા માહોલ વચ્ચે ૫૦૦ જેટલી કંપનીઓના પ્રમોટરોએ તેમના હિસ્સામાં વધારો કર્યો હતો. જો કે, તેમાંથી ૬૫ ટકા જેટલા કંપનીના શેરોમાં ૭૦ ટકા સુધીના ગાબડા નોંધાયા હતા.
સૂચિત સમયગાળા દરમ્યાન વોલેટાલિટી વચ્ચે બજારના મુખ્ય ઇન્ડેક્સ તો ઉંચકાયા હતા પરંતુ સંખ્યાબંધ શેરોના ભાવો તૂટયા હતા. આમ, શેરબજારમાં નીચા ભાવે ઉપલબ્ધ શેરો ખરીદીને જે તે કંપનીના પ્રમોટરોએ પોતાના હિસ્સામાં વધારો કર્યો હતો.
ઉપલબ્ધ ડેટા મુજબ માર્ચ ત્રિમાસિક દરમિયાન ૪૭૯ જેટલી કંપનીના પ્રમોટરોએ તેમના હિસ્સામાં વધારો કર્યો હતો જેમાં રિલાયન્સ ઇન્ડ. ઇન્ફોસીસ, બજાજ ફાઇનાન્સ, તાતા મોટર્સ જેવી આગેવાન કંપનીઓ સહિત અન્યનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે પ્રમોટર્સને જ્યારે પોતાનો હિસ્સો વધાર્યો ત્યારે બજાર માટે આ મુદ્દો સાનુકૂળ ગણાતો હોય છે. પ્રમોટર્સને પોતાના બિઝનેસમાં વિશ્વાસ છે તે બાબત આ પ્રક્રિયાથી પૂરવાર થતી હોય છે. જો કે, પ્રમોટર્સ પણ નજીકના ટૂંકા ગાળા માટે આઉટલૂક સારું જણાય ત્યારે જ પોતાનો હિસ્સો વધારતા હોય છે.
આ વાસ્તવિકતાની બીજી તરફ પ્રમોટર્સ હિસ્સામાં વધારો થનાર ૪૭૯ કંપનીમાંથી ૬૫ ટકા કંપનીના શેરના ભાવમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે જે કંપનીના શેરના ભાવ તૂટયા છે તેમાં આઇડીબીઆઇ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, ઇ.બુલ્સ વેન્ચર્સ, બોશ, ડાબર અને ફ્યુચર રીટેલ સહિત અન્યનો સમાવેશ થાય છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UW9cpt
via Latest Gujarati News
0 Comments