વિતેલા એપ્રિલ માસ દરમ્યાન ઉત્પાદકીય પ્રવૃતિઓ આઠ માસના તળિયે

મુંબઈ, તા. 02 મે, 2019, ગુરૂવાર

લોકસભાની ચૂંટણીને લગતી અનિશ્ચિતતાઓ અને પડકારરૂપ આર્થિક પરિબળોને પરિણામે એપ્રિલમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની કામગીરી નબળી જોવા મળી હતી. ઉત્પાદન ક્ષેત્ર પર નજર રાખતા નિક્કી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) જે માર્ચમાં ૫૨.૬૦ પોઈન્ટ  હતો તે એપ્રિલમાં ઘટીને ૫૧.૮૦ પોઈન્ટ સાથે આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે.

ઓગસ્ટ ૨૦૧૮ બાદ ઉત્પાદન ક્ષેત્રે આ સૌથી નબળી કામગીરી જોવા મળી છે. જો કે આ સતત ૨૧માં મહિને પીએમઆઈ ૫૦ પોઈન્ટની ઉપર રહ્યો છે, એટલે કે તે ક્ષેત્રનું વિસ્તરણ થયું છે. ૫૦થી નીચેના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું સંકોચન માનવામાં આવે છે.એપ્રિલના પીએમઆઈ સૂચવે છે કે, નવા ઓર્ડર મર્યાદિત રહેતા ઉત્પાદન પર અસર પડી હતી તેને કારણે રોજગાર તથા વેપાર માનસ પણ નબળા રહ્યા હતા. 

એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રે રોજગાર વૃદ્ધિ એક વર્ષ કરતા પણ વધુ સમયની નીચી સપાટીઅ રહી હતી જે સૂચવે છે કે ઉત્પાદકો સુધારા માટે ભાગ્યેજ સજજ થયા છે, એમ સર્વે કરનાર આઈએચએસ માર્કિટના રિપોર્ટમાં જણાવાયું હતું. જે કંપનીઓના સંચાલકોના સર્વે કરવામાં આવ્યા હતા તેમાંના મોટાભાગના લોકોએ ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિમાં ઘટાડા માટે ચૂંટણીને લગતી અનિશ્ચિતતાને કારણભૂત ગણાવી હતી. કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ તેમની નીતિઓ સ્પષ્ટ ન થઈ જાય ત્યાં સુધી કંપનીઓએ પોતાની નવી યોજનાઓ માટે હાલમાં થોભો અને રાહુ જુઓની નીતિ અપનાવી હોવાનું પણ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. 

કાચા માલની કિંમતો પણ ઘટીને ૪૩ મહિનાની નીચી સપાટીએ રહી છે. કાચા માલનો ફુગાવો જો કે સાધારણ રહ્યો છે અને લાંબા ગાળાની સરેરાશ કરતા નીચે છે.ઉત્પાદન ક્ષેત્રમાં ભાવનું દબાણ ઘટી રહ્યું છે અને વિકાસ મંદ પડી રહ્યો છે ત્યારે જુનની પોલિસી બેઠકમાં રિઝર્વ બેન્ક સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કરે તેવી શકયતા વધી ગઈ છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિની હવે પછીની બેઠક જુનના પ્રથમ સપ્તાહમાં યોજાનાર છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZTcais
via Latest Gujarati News

Post a Comment

0 Comments