મહારાષ્ટ્રના ચંદ્રપુરના આકાશમાં સૂર્ય નીચો આવી ગયો: શહેર 48 ડિગ્રીમાં બફાયું



મુંબઇ,તા. 29 મે 2019, બુધવાર

આજે સૂર્યનારાયણ જાણે મહારાષ્ટ્રના ચંદ્રપુરના આકાશમાં ઘણા નીચા આવી ગયા હોય તેમ ગરમીનો અતિ અતિ પ્રકોપ ફાટી નીકળ્યો હતો.

હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આજે વિદર્ભના ચંદ્રપુરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સેલ્સિયસ જેટલો અતિ ઉકળતો નોંધાયો હતો.૨૮,મે-૨૦૧૯ના રોજ પણ ચંદ્રપુરનું મહત્તમ તાપમાન ૪૭.૮ ડિગ્રી જેટલું ઉકળતું નોંધાયું હતું જે સમગ્ર વિશ્વનું  બીજા નંબરનું હોટ સ્થળ રહ્યું હતું. ૨૮,મે ના રોજ   વિદર્ભના નાગપુરમાં  મહત્તમ તાપમાન ૪૭.૫ ડિગ્રી જ્યારે પાકિસ્તાનના જેકોકાબાદનું મહત્તમ તાપમાન પણ ૪૭.૫ ડિગ્રી જેટલું ઉકળતું નોંધાયું હતું.

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને ખાસ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભૌગોલિક દ્રષ્ટિએ મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર અને મધ્ય પ્રદેશ રાજ્ય હીટ કોર પટ્ટીમાં આવે છે.એટલે કે આ બંને વિસ્તાર સમુદ્ર કિનારાથી ઘણા દૂર અને ભારતના બરાબર મધ્ય ભાગમાં છે.

જે જે સ્થળો દરિયાકાંઠા નજીક હોય ત્યાં દરિયા પરની લહેરો બપોર પહેલાં જમીન પર આવી જતી હોવાથી ત્યાંનું તાપમાન પ્રમાણમાં સમઘાત(નહીં ગરમ,નહીં ઠંડુ) રહે છે.જે સ્થળો દરિયાથી દૂર હોય તેને આવો કુદરતી લાભ નહીં મળતો હોવાથી ત્યાં તાપમાન ઉંચું રહે છે.આમ હાલ મહારાષ્ટ્રનો વિદર્ભ અને મધ્યપ્રદેશનાં રાયપુર વગેરે વિસ્તાર ઉનાળામાં ઉકળતી ભઠ્ઠી જેવાં થઇ જાય છે. 

 વળી, ઉનાળાનાઆ દિવસો દરમિયાન અરબી સમુદ્રમાં એન્ટિ સાયક્લોનની પરિસ્થિતિ પણ સર્જાય છે.સાથોસાથ આ હિસ્સામાં પવનો ઉત્તર-પૂર્વ-ઉત્તર દિશામાંથી ફૂંકાતા હોય છે.આ પવનો તેની સાથે ગરમી લેતા આવતા હોવાથી અને વાતાવરણના નીચેના પટ્ટામાં પણ ફૂંકાતા હોવાથી આ સમગ્ર વિસ્તારમાં તાપમાન ઘણું ઘણું ઉંચું રહે છે.

હવામાન ખાતાએ એવો વરતારો પણ આપ્યો હતો કે વિદર્ભ અને મરાઠવાડામાં હજી લગભગ ૧૨-૧૫ જૂન સુધી લોકોને ગરમીના પ્રકોપમાંથી રાહત રહે તેવાં કોઇ કુદરતી પરિબળો જણાતાં નથી.હા, આવતા ચાર-પાંચ દિવસ બાદ તાપમાનનો પારો થોડો નીચો(૪૦થી ૪૨ ડિગ્રી) ઉતરે એવી શક્યતા છે.    

વળી,આવતા ત્રણેક દિવસ દરમિયાન વિદર્ભમાં ગરમીનો અતિ અસહ્ય પ્રકોપ વરસે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.આવા અતિ ગરમ વાતાવરણમાં લોકોએ ઘરમાં રહેવું.સુતરાઉ વસ્ત્રો પહેરવાં.  થોડી થોડી વારે શુદ્ધ પાણી પીવું અને છાશ,લીંબુનો રસ પીવાં જેથી શરીરમાંથી પાણી ઓછું ન થાય. ચક્કર ન આવે.

આજે વિદર્ભના બ્રહ્મપુરીમાં મહત્તમ તાપમાન ૪૭.૫ ડિગ્રી,વર્ધા-૪૬.૯,અમરાવતી-૪૬.૪,નાગપુર ૪૬.૦,અકોલા-૪૫.૭,યવતમાળ-૪૫.૫,ગઢચિરોળી-૪૪.૧,વાશીમ-૪૪.૦,ગોંદિયા-૪૩.૫અને બુલઢાણા-૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આજે વિદર્ભના ગઢચિરોળીમાં હળવી વર્ષા થઇ હોવાના સમાચાર પણ મળે છે.

આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૦  ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૨  ડિગ્રી નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૭-૮૮ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૬૭-૬૫ ટકારહ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JJYTUx
via Latest Gujarati News

Post a Comment

0 Comments