અમિત શાહને નાણા મંત્રાલયની શક્યતા, પિયુષ ગોયલ અને નિર્મલા સિતારમન પણ લિસ્ટમાં



નવી દિલ્હી, તા. 29 મે 2019, બુધવાર

નરેન્દ્ર મોદી ૩૦મીએ વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે. તેમની સાથે મંત્રીમંડળમાં જે લોકો સામેલ થવાના છે તેઓ પણ શપથ ગ્રહણ કરશે. જોકે અરુણ જેટલી અત્યાર સુધી જે મહત્વપૂર્ણ ગણાતુ નાણા મંત્રાલય સંભાળતા હતા તે હવે અન્ય કોઇ નેતાને સોપવામા આવશે કેમ કે જેટલીએ સામે ચાલીને નબળા સ્વાસ્થ્યને કારણે કોઇ મંત્રી પદ લેવાની ના પાડી દીધી છે.

આ સ્થિતિ વચ્ચે હવે નાણા મંત્રાલય પિયુષ ગોયલ અથવા અમિત શાહને સોપવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે અથવા કોઇ નવા જ નેતાને સોપવામાં આવી શકે છે. હાલના અહેવાલો પ્રમાણે આ પદ માટે પિયુષ ગોયલનું નામ આગળ છે. તેઓએ જ મોદી સરકારનું અંતિમ બજેટ પણ રજુ કર્યું હતું. 

નાણા મંત્રાલય માટે ગોયલ, અમિત શાહ બાદ ત્રીજુ જે નામ ચર્ચામાં છે તે નિર્મલા સિતારમનનું છે. નિર્મલા સિતારમન પાસે હાલ સંરક્ષણ મંત્રાલય છે, તેઓે કોર્પોરેટ મંત્રાલય પણ સંભાળી ચુક્યા છે. અન્ય જે નેતાઓને બીજા મંત્રીપદ મળશે તેમાં રાજનાથસિંહ, નિતિન ગડકરી, પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઇરાની, રવી શંકર પ્રસાદ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એનડીએના સાથી પક્ષો જેમ કે શિવસેના, જદ(યુ), એલજેપી વગેરેના નેતાઓનો પણ સમાવેશ થાય તેવી શક્યતાઓ છે. પશ્ચિમ બંગાળમાંથી પણ ભાજપના કોઇ નેતાને મોટુ મંત્રાલય સોપવામાં આવી શકે છે. 

હાલ એવા અહેવાલો છે કે શિવસેના, જદ(યુ) અને અકાળી દળમાંથી એક-એક નેતાને મંત્રીપદ મળી શકે છે. અપના દલના અનુપ્રિયા પટેલ જ્યારે એલજેપીના નેતા રામ વિલાસ પાસવાનને પણ મંત્રીપદ મળે તેવી શક્યતાઓ છે.

એઆઇએડીએમકે એનડીએના ગઠબંધનમાં સામેલ નહોતુ થયું જોકે આ વખતે તેને પણ તક મળે તેવી અટકળો છે. અમિત શાહ અને નિતિશ કુમાર વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં જદ(યુ) તરફથી કોને મંત્રીમંડળમાં સ્થાન આપવું તેની ચર્ચા થઇ હતી. નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહે પણ બેઠક યોજી હતી. જે દરમિયાન મંત્રીપદ અંગે ચર્ચા થઇ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JJXfCl
via Latest Gujarati News

Post a Comment

0 Comments