- આજે ઇંગ્લેન્ડ V/S દ. આફ્રિકા વચ્ચે મેચ ભારતીય સમય મુજબ બપોરે ૩થી શરૂ થશે
દર ચાર વર્ષે યોજાતા વન-ડે ક્રિકેટના વર્લ્ડ કપનો પ્રારંભ આવતીકાલથી ઇંગ્લેન્ડમાં થઈ રહ્યો છે. ચૂંટણી અને શપથવિધિ બાદ દેશ આખો દોઢ મહિના માટે ક્રિકેટમય બની જશે. તેમાં પણ આ વખતે ભારત સેમિફાઇનલ માટે નિશ્ચિત મનાતું હોઈ ચેમ્પિયન પણ બની શકે તેવી સંભાવના જોવાતી હોઈ ક્રિકેટ ચાહકોનો જુસ્સો અને રોમાંચ જેમ જેમ વર્લ્ડ કપ આગળ વધશે તેમ તેમ વધુ ને વધુ જામતો જશે. ૩૦ મેથી શરૂ થતા વર્લ્ડ કપની ફાઇનલ ઐતિહાસિક લોર્ડઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૪ જુલાઈના રોજ યોજાશે.
રૂા. ૨૮ કરોડ ચેમ્પિયન બનનાર ટીમને ઇનામી રકમ તરીકે મળનાર છે તેવા આ વર્લ્ડ કપમાં દસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં ભારત (ચેમ્પિયન ૧૯૮૩ અને ૨૦૧૧), યજમાન ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા (ચેમ્પિયન ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૫), પાકિસ્તાન (ચેમ્પિયન ૧૯૯૨), વેસ્ટ ઇન્ડિઝ (ચેમ્પિયન ૧૯૭૫ અને ૧૯૭૯), શ્રીલંકા (ચેમ્પિયન ૧૯૯૬), ન્યુઝીલેન્ડ (રનર્સઅપ ૨૦૧૫), ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, અને શ્રીલંકા ભાગ લઈ રહ્યા છે.
ઇંગ્લેન્ડના ૧૧ સ્ટેડિયમો પર વર્લ્ડ કપની મેચો રમાશે.
આ વખતે છેલ્લા વર્ષના ફોર્મના આધારે તેમજ ઘરઆંગણે રમી રહ્યું છે તે જોતાં ઇંગ્લેન્ડ સૌથી ફેવરિટ માનવામાં આવે છે. ઇંગ્લેન્ડ આઇસીસીની પણ નંબર વન રેન્ક ટીમ છે.
ભારતને આ વર્લ્ડ કપની તેની સૌથી પ્રથમ મેચ પાંચ જૂને સાઉથ આફ્રિકા સામે રમવાની છે. જ્યારે કાલે વર્લ્ડ કપની સૌ પ્રથમ મેચ યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓવલમાં રમાશે.
કેપ્ટન કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતની ટીમ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી બે પ્રેક્ટિસ મેચ રમી હતી જેમાં ન્યુઝીલેન્ડ સામે તેનો પરાજય થયો હતો. જ્યારે મંગળવારે રમાયેલી બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતનો વિજય થતા તેઓએ પુનઃ આત્મવિશ્વાસ મેળવ્યો હશે કેમ કે, રાહુલ અને ધોનીની સદીની મદદથી ભારતે ૩૫૯ રનનો સ્કોર કર્યો હતો.
ભારતને સૌથી મોટી ચિંતા ચોથા ક્રમે બેટિંગ કરવા કોણ ઉતરે તે હતી. રાહુલે બાંગ્લાદેશ સામે ચોથા ક્રમે આવીને સદી ફટકારતા ભારતીય ટીમ મેનેજમેન્ટે રાહતનો દમ લીધો હતો. તેવી જ રીતે બુમરાહે આઇપીએલ જેવો તેમજ ક્રિકેટ વિશ્વમાં નંબર વન છે તે પ્રમાણેનો પ્રભાવ છે તે પ્રેક્ટિસ મેચમાં બતાવ્યો હતો.
ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની મેચ પૂર્વે હવામાન મજા બગાડે તેવી આગાહી છે. ઇંગ્લેન્ડમાં પ્રત્યેક ટીમે સતત એ વાતને ધ્યાનમાં રાખીને રમવું પડશે કે તેમની સારી સ્થિતિને વરસાદને કારણે મેચ અટકીને પાછી શરૂ થાય તો ડકવર્થ એન્ડ લુઇસ પ્રમાણે નક્કી થતો નવો ટાર્ગેટ મેચ હાથમાંથી આંચકી શકે છે.
ઇંગ્લેન્ડમાં આ મહિનાના પ્રારંભે પાકિસ્તાન સામેની ઇંગ્લેન્ડે રમેલ વન-ડે શ્રેણીમાં ૩૦૦ પ્લસ સ્કોર બંને ટીમોએ એક કરતા વધુ વખત નોંધાવ્યો. પ્રેક્ટિસ મેચ પણ હાઇ સ્કોરિંગ રહી ઇંગ્લેન્ડે ૩૦૦ પ્લસ અને ભારતે ૩૫૦ પ્લસ, વિન્ડીઝે ૪૦૦ પ્લસ રન નોંધાવ્યો છે તે જોતાં ઇંગ્લેન્ડની પીચ મોટા સ્કોર થઈ શકે તેવી બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન છે તેને જોતાં બોલરોની અગ્નિપરીક્ષા થશે.
યજમાન ઇંગ્લેન્ડમાં બહોળા પ્રમાણમાં ભારતીયો, પાકિસ્તાની, બાંગ્લાદેશીઓ રહેતા હોઈ સ્ટેડિયમ ભરચક રહેશે. ભારતની મેચોની ટિકિટો તો ઓનલાઇન ખુલતા જ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી. એશિયનોને કારણે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ ફિવરનું વાતાવરણ જામશે.
ભારતમાં પણ ક્રિકેટ ચાહકોના સદ્નસીબે પ્રથમ મેચ કાલે છે તે દિવસે જ મોદી સરકારનો શપથવિધિ સમારંભ યોજાશે. ભારતની મેચ તો છેક પાંચમી જૂને છે ત્યારે તો રાજકીય ગતિવિધિ રૂટિન બની જશે. વર્લ્ડ કપને પરફેક્ટ લોન્ચિંગ પેડ મળશે. પૂરો દોઢ મહિનો ભારત કે ક્રિકેટ વિશ્વમાં બીજી કોઈ મહત્ત્વની ઘટના નહીંહોઈ ડ્રિંક ક્રિકેટ, ઇટ ક્રિકેટ, સ્લિપ ક્રિકેટ જેવું વાતાવરણ જામશે.
વર્લ્ડ કપનું ફોરમેટ
કઈ રીતે ટીમ પહોંચશે વર્લ્ડ કપમાં
છેલ્લા કેટલાક વર્લ્ડકપમાં ભાગ લેતી ટીમોને ગુ્રપમાં વહેંચવામાં આવતી હતી. ગુ્રપ મેચોના બંને ગુ્રપની ટોચની ટીમો ક્વાર્ટર કે સેમી ફાઇનલમાં પહોંચતી. આ વખતે રાઉન્ડ રોબિન ફોરમેટથી વર્લ્ડકપ રમાશે. વર્લ્ડ કપમાં કુલ ૧૦ ટીમો ભાગ લઈ રહી છે. પ્રત્યેક ટીમ અન્ય નવ ટીમો સામે એક એક મેચ રમશે. આ રીતે બધી ટીમ રમી લેશે તે પછી પોઇન્ટ ટેબલની રીતે ટોચની ચાર ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. જેમાં નંબર એક નંબર ત્રણ સામે અને નંબર બે નંબર ચાર સામે સેમિ ફાઇનલ માટે રમશે. તેમના વિજેતા ફાઇનલમાં ૧૪ જુલાઈના રોજ વર્લ્ડ કપ માટે ટકરાશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wqII5X
via Latest Gujarati News
0 Comments